Site icon Revoi.in

અમદાવાદ-માળિયા ટ્રેકને ડબલ ડેકર કન્ટેનર ટ્રેનની મંજૂરી મળી પણ નડતરરૂપ બ્રીજ તોડીને ઊંચા બનાવવા પડશે

Social Share

ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર એવા સુરજબારીના હાઈ-વે પર  ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે.  બે જિલ્લાને જોડતા આ માર્ગ પર રાજસ્થાન, હરિયાણ અને પંજાબથી દરરોજ આવતા 1000થી વધુ ટ્રકના કાયમી થપ્પા લાગેલ રહે છે. દરરોજ આ નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોના ટ્રાફિક જામ સર્જાઈ છે.  જન્માષ્ટમી પર્વમાં પણ કચ્છ ફરવા ગયેલા લોકો પણ એક બ્રિજ કાર્યરત હોવાથી ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે આ સમસ્યા હજુ પણ લંબાશે તેવી સંભાવના છે. કારણ કે અમદાવાદ – માળિયા વચ્ચે ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવાની યોજના છે. જેને રેલવે વિભાગ તરફથી મંજુરી આપવામાં આવી છે. પણ માળિયા નજીક રેલવેના બે ઓવરબ્રિજની ઊંચાઈ નડતરરૂપ થતી હોવાથી આ બ્રિજ તોડવામાં આવશે જેમાં જુના બ્રિજને તોડીને નવો બનાવવાનું આયોજન કરાયું છે. આથી ડબલ ડેકર કન્ટેનર ટ્રેન શરૂ નહીં થાય ત્યાં  સુધી હાઈવે પર લોડિંગ ટ્રકોનું ભારણ ઘટે તેમ લાગતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ માળિયા નજીક ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન માટે ઓછી ઊંચાઈના નડતરરૂપ   બ્રિજનું કામ શરૂ છે તેની ઉંચાઈ 7.5 ફૂટ છે છતાં સંભવત આંશિક તોડવામાં આવે તેવા સંજોગો ઉભા થયા છે. કચ્છને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 સૌથી વધુ વ્યસ્ત રહેતો માર્ગ છે ત્યારે હાલ માળિયા નજીક હરીપર પાસે બ્રિજનો એક ભાગ તૂટી જતા બે મહિનાથી સમારકામ ચાલી રહ્યું છે હજી પણ આ સમારકામને પૂર્ણ થતાં એક માસ જેવો સમય લાગશે. બ્રિજના કામના કારણે દૈનિક વીસ હજાર વાહનોને અસર થાય છે તેવામાં વધુ એક ટ્રાફિકજામનો સામનો કરવા વાહન ચાલકો તૈયાર રહે એ જરૂરી છે.

અમદાવાદથી માળિયા સુધીના રેલવે ટ્રેક પર રેલવે વિભાગ દ્વારા ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે, આ ટ્રેનને પસાર થવા માટે માળિયા નજીક બે પુલ નીચેથી પસાર થવું પડશે પણ અહીં બે બ્રિજ પૈકી જુના બ્રિજની ઊંચાઈ ઓછી હોવાથી તોડીને વધુ ઊંચાઈવાળો બનાવવામાં આવશે ઉપરાંત નવો બ્રિજ ઊંચાઈ વાળો છે તેમ છતાં આંશિક ભાંગફોડ કરવી પડે તેવી વકી સેવવામાં આવી છે જોકે આ કામથી વાહનચાલકોને હાડમારી વેઠવાનો વારો આવશે એ તો નક્કી જ છે મહત્વની બાબત એ છે કે,હરિપર પાસે જે બ્રિજના કારણે ટ્રાફિક થાય છે તે બ્રિજ સપ્ટેમ્બરમાં બની જશે પણ અને તેની બાજુમાં આવેલો જૂનો બ્રિજ ઓક્ટોબરમાં તોડી પાડવામાં આવે તો નવાઈ નહિ આ કામના ટેન્ડર પણ પાસ થઇ ગયા છે રાજ્ય સરકાર મંજૂરી આપે તો સંભવત દિવાળીની આસપાસ બ્રિજ તોડી ડબલ ડેકરનું કામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

રેલવેના અમદાવાદ ડિવિઝનલ મેનેજરને પૂછતાં તેમણે આ મુદ્દે માહિતી ન હોવાનો ઇનકાર કરી માળિયા સેક્શનના અધિકારી પર ખો આપી હતી જેથી તેમને પૂછતાં ટ્રેન પસાર થવાની હોઈ જૂનો બ્રિજ તોડવો પડશે અને નવા બ્રિજને કદાચ સાઈડમાં ખસેડવો પડે તેવી શકયતા દર્શાવી અન્ય વિગતો અંગે અજાણતા દર્શાવી હતી તો બાંધકામ વિભાગના અધિકારીએ પણ બ્રિજ તોડવાની વાતને સમર્થન આપ્યું પણ ક્યારે કાર્યવાહી થશે એ મુદ્દે અનિશ્ચિતતા દર્શાવી હતી.અલબત્ત અંતમાં વેસ્ટર્ન રેલવેના PROને પૂછતાં તેમણે જણાવ્યું કે,અમદાવાદ,મોરબી માળીયા રેલ્વે લાઈનમાં ભવિષ્યમાં ડબલ ડેકર ટ્રેન કન્ટેનર ચલાવવાની યોજના છે જેથી હાઇવે પર આવતા બ્રિજ ઉંચા લેવાની જરૂર પડશે અને માળીયા-હરીપર વાળો બ્રિજ ઊંચો લેવો પડશે તો ફરી લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડશે.