અમદાવાદઃ શહેરમાં 3500 કરોડનાં ખર્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું પરંતુ મેટ્રો પ્રોજેક્ટમાં ભારે વિલંબને કારણે ખર્ચ વધીને 12787 કરોડે પહોંચ્યો છે. મેટ્રો પ્રોજેક્ટનો ખર્ચ ચાર ગણો વધી ગયો તે માટે જવાબદાર કોણ ? 18 વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હજુ પણ આ પ્રોજેક્ટનું કામ પૂર્ણત થયું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં શહેરી વિકાસશ્રેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી જે અન્વયે સમગ્ર દેશમાં 1517 પ્રોજેક્ટ દસ વર્ષમાં મજુર કરવામાં આવ્યા. શહેરના નાગરિકોને વિવિધ સુવિધાઓ માટે દશ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા વિવિધ શહેરમાં જુદા જુદા પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યા જેમાંથી ગુજરાતને 75થી વધુ વિવિધ પ્રોજેક્ટ માટે 20000 કરોડ થી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.બીઆરટીએસ, નવી બસો, 108 એમ્બ્યુલન્સ, નવા બ્રીજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટો માટે ગુજરાતને વિશેષ નાણાંની ફાળવણી કરવામાં આવી હતી. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તત્કાલીન યુપીએ સરકારના શાસનમાં મજુર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જે તે સમયે 2004માં હોડીગ્સમાં મેટ્રો ટ્રેનના સપના દેખાડવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં ગુજરાતના એક માત્ર એવું રાજ્ય જ્યાં મેટ્રો ટ્રેનને જમીન પર ઉતરતા અને કાર્યરત થતા 18 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે,. જેના કારણે મેટ્રો ટ્રેનની શરૂઆતની પ્રોજેક્ટ કોસ્ટ 3500 કરોડ જાહેર કરવામાં આવી હતી તે પ્રોજેક્ટ કોસ્ટ આજે ચાર ગણા વધારા સાથે 12787 કરોડ જેટલી પહોંચી છે અને હજુ પ્રોજેક્ટનું કામ પૂર્ણત થયું નથી.
તેમણે ઉમેર્યુ હતું કે, મેટ્રો પ્રોજેક્ટમાં શરૂઆતથી જ 450 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો હતો. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી સંભાળતી કંપનીએ આઈએલ એન્ડ એફએસએ નાદારી નોધાવી. શહેરી નાગરિકોને મેટ્રો ટ્રેન- ઝડપી પરિવહન વ્યવસ્થા મળે તે આવકારદાયક બાબત છે. વર્ષ 2004માં જાહેરાત, 2007માં હોડીગ્સમાં, 2012માં ખાતમુહૂર્ત, 2019માં સૌથી ટૂંકાં મેટ્રો ટ્રેન રૂટનું ઉદ્ઘાટન અને ફરી 2022માં બીજા એક રૂટનું ઉદ્ઘાટન, આ ચુંટણી લક્ષી નજારો છે.