Site icon Revoi.in

અમદાવાદ: ચોમાસાની શરૂઆત નથી,પણ સામાન્ય ઝાપટામાં જ શહેરમાં પડ્યો જોરદાર ભૂવો

Social Share

 અમદાવાદ: અમદાવાદ શહેરમાં હજુ તો ચોમાસાની સંપૂર્ણરીતે શરૂઆત પણ થઈ નથી, તે પહેલા શહેરમાં એક જ ઝાપટામાં કેટલીક સચ્ચાઈ સામે આવી ગઈ છે. વાત એવી છે કે શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક દુર્ઘટના સર્જાઈ હતી. RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર અચાનક ભૂવામાં ખાબકી હતી. કાર ભૂવામાં પડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે, ફતેહવાડી વિસ્તારમાં જ્યાં ભૂવો પડ્યો છે, ગત વર્ષે પણ આ સ્થળે જ ભૂવો પડ્યો હતો. ગત વર્ષે આ ભૂવામાં એક સ્કૂટર ખાબક્યું હતું.

કમોસમી વરસાદ થતાંની સાથે જ અમદાવાદ ભૂવા નગરી બની ગયું છે. હજી તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ ત્યાં ઠેર-ઠેર પાણી તો કેટલાક વિસ્તારોમાં ભૂવા પડી રહ્યાં છે. કમોસમી વરસાદે AMCની કામગીરીની પોલ છતી કરી નાખી છે. કમોસમી વરસાદને લઈ ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડ્યો છે. RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર ભૂવામાં ફસાઈ ગઈ હતી. તો સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.

હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 15થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 22 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદ સામાન્ય રહેશે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે.