1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત

0
Social Share

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા માટે રાજ્યની પોલીસ સજજ છે. જેમાં કુલ 23 હજાર 600 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, શહેરની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ઉપરાંત 17 વર્જ, 07 વોટર કેનન વરૂણ અને 15 સ્નીફર ડોગ પણ સુરક્ષા કાફલામાં સામેલ રહેશે. ગુરુવારે અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, જેસીપી, એસીપી, અને પીઆઇ – પીએસઆઇ કક્ષાના તમામ અધિકારીઓને આગામી રથયાત્રા સંદર્ભમાં બંદોબસ્ત બાબતે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
દરમિયાન બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નીકળશે, જે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા-સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
તેમને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર VISWAS પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા CCTV કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code