અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર 3 હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન મારફતે રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. રથયાત્રામાં લગભગ એક હજારથી વધારે કેમેરાથી નજર રાખવામાં આવશે. ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા ચાલી રહી છે.
ડીસીપી ક્રાઇમ બ્રાંચ ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે 1 હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે. આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે. જો કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે. રથયાત્રામાં હાથીઓ, અખાડા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રૂમેન્ટ લગાવવામાં આવશે. તેમજ જે બોર્ડીવોર્ન કેમેરા છે તેમાં પણ ઇનબિલ્ટ જીપીએસ સિસ્ટમ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસને બોડી વોર્ન કેમેરા સાથે રથયાત્રામાં ઉતારવામાં આવશે સાથે જ સમગ્ર રૂટ પર સેન્ટ્રલ ફોર્સ પણ સાથે જ રહેશે. આ ઉપરાંત પોલીસ આ વખતે તર્કશ એપ્લિકેશનથી બાજ નજર રાખશે. આમ કુલ 3 હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે. જમીનથી આકાશ સુધી ચુસ્ત પોલીસબંદોબસ્ત કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ દ્વારા ખડેપગે કામગીરીઓ કરવામાં આવી રહી છે.