અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 973 કેસ નોંધાયાં
અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદ બાદ હાલ વિરામ લીધો છે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ મહિનામાં મેલેરિયાના 307, ડેન્ગ્યુના 973 અને ચિકનગુનિયાના લગભગ 436 જેટલા કેસ નોંધાયાં છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ લધી છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલ્ટીના ચાલુ માસમાં 394 કેસ સામે આવ્યા છે. આવી રીતે કમળાના 211, ટાઈફોડના 328 કેસ નોંધાયાં છે. બીજી તરફ કોરોનાની સાથે હવે સ્વાઈનફ્લૂએ પણ અમદાવાદ શહેરમાં માથુ ઉચક્યું છે. સ્વાઈનફ્લૂના લગભગ 68 કેસ સામે આવ્યાં છે.
રોગચાળાના કેસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઑની લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા છે. વાઈરલ ફિવર ઉપરાંત શરદી, ખાંસી સહિતના અન્ય રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થઇ કાર્યવાહી કરી રહ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ સહીતની કાર્યવાહી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.
(PHOTO-FILE)