અમદાવાદઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેકના બાંધકામ માટે ટ્રેઇનિંગ અને સર્ટિફિકેશન સર્વિસ માટે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે તકનિકી સેવા વચ્ચેના એમઓયુ સાઇન કરાયા છે. આ કરાર થકી જાપાનના નિષ્ણાંતો ટ્રેકના બાંધકામ માટે તેમની કુશળતા તેમજ અનુભવનો આ પ્રોજેક્ટને લાભ આપશે.
આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જાપાનમાં શિંકનસેન ટ્રેક ક્ન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેવાની તક પણ મળશે. આ સ્ટાફને જાપાની નિષ્ણાંતો તાલીમ આપશે. બુલેટ ટ્રેનના ટ્રેક અને બીજી બાબતો માટે કર્મચારીઓને 15 પ્રકારની તાલીમ પ્રાપ્ત થશે જેમાં ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરીંગ એન્જિનિયરો અને રેલવે વેલ્ડીંગ ટેકનિશ્યન લાભ લઇ શકશે. જોકે કોરોનાને કારણે આ પ્રોજેક્ટમાં એક વર્ષનો વિલંબ થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જાપાનની આ હાઇ સ્પીડ રેલવે સિસ્ટમથી ભારતમાં ટેકનોલોજીનું સ્થાનાંતરણ નિશ્ચિત થશે, એટલું જ નહીં મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે. જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ભારતના મુખ્ય પ્રતિનિધિ મત્સુમોટો કટસુઓએ કહ્યું હતું કે આ કરાર પર હસ્તાક્ષર એ રેલવે ટ્રેક સલામતી અને આરામદાયક સવારી માટે નિણર્યિક છે. આ પ્રોજેક્ટમાં જાપાન રેલવે તકનીકી સેવાની ભૂમિકા અત્યંત મહત્વની છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લામાં જે લોકોની જમીન અને મિલકતનું વળતર ચૂકવવાનું છે તે તમામને વળતર ચૂકવાઇ ગયું છે. 508 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં અમદાવાદ પછી વાપીનું રેલવે સ્ટેશન સૌથી લાંબુ છે જે 600 કરોડ રૂપિયાના ખર્ચે નિમર્ણિ થશે.
બુલેટ ટ્રેનના રૂટ પર કુલ 12 સ્ટેશનો બનાવવાના થાય છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં 155 કિલોમીટર, દાદરા નગરહવેલીમાં 4.3 કિલોમીટર અને ગુજરાતમાં 348 કિલોમીટરના રૂટમાં ફેલાયેલો છે. કલાકના 320 કિલોમીટરની ગતિએ આ ટ્રેન દોડશે. દરેક બુલેટ ટ્રેનમાં 10 કોચ હશે જેમાં 750 પ્રવાસીઓ સફર કરી શકશે. બીજા તબક્કામાં 16 કોચ રહેશે. રોજની 35 ટ્રેન આ રૂટ પર દોડશે અને 17900 પ્રવાસીઓને તેમના સ્થાને પહોંચાડશે. ગુજરાતમાં આ પ્રોજેક્ટનું જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થવામાં છે અને મહારાષ્ટ્રમાં પ્રક્રિયા ચાલી રહી છે. કોરોના સંક્રમણના કારણે આ પ્રોજેક્ટમાં એક વર્ષનો વિલંબ થવાની શક્યતા છે.