અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ- રેલની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. દરમિયાન હાઈસ્પીડ રેલ કોરિડોર માટે અંડરવોટર ટનલ બનાવવા માટે ભારતની સાત જેટલી કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીના જણાવ્યા અનુસાર, સમુદ્ર નીચે ટનલ બનાવવા માટે બોલીમાં સાત ભારતીય કંપનીઓએ ભાગ લીધો હતો. ટનલ બનાવવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અને 19 ફેબ્રુઆરી 2021 સુધી બિડ મંગાવવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રના બીકેસીથી કલ્યાણ શિલ્પાતા સુધી 21 કિમી લાંબો ભૂગર્ભ કોરિડોર હશે. આ ભૂગર્ભ કોરિડોરનો લગભગ 7 કિલોમીટરનો હિસ્સો થાણે ક્રીકની નીચે છે. તેમાંથી 1.8 કિલોમીટર લાંબા ભાગને સમુદ્રના તળિયાની નીચે બનાવવાનો છે જ્યારે બાકી હિસ્સાને ક્રીકની બંને તરફ મેન્ગ્રોવ માર્શલેન્ડ પટ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનના 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલવાની સંભાવના છે. જે લગભગ 2 કલાકમાં 508 કિલોમીટરના અંતરને આવરી લેશે. હાલ મુંબઈ-અમદાવાદ માટે ટ્રેનને સાત કલાક અને વિમાનને લગભગ 1 કલાકનો સમય લાગે છે.