અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓએ દર વર્ષે નિયત ફોર્મેટમાં પોતાની મિલકતો જાહેર કરવી ફરજિયાત છે. ઘણાબધા અધિકારીઓ વારંવાર રિમાન્ડ કરવા છતાંયે પોતાની મિલકતો જાહેર કરતા નથી. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મ્યુનિના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ 64 જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારને લઈ અનેક ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે એએમસીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. જોકે, મ્યુનિ. કમિશનર દ્વારા વારંવાર આ અંગે પરિપત્ર કરવા છતાં પણ અનેક અધિકારીઓ આ બાબતને ધ્યાને લેતા નથી. મ્યુનિસિપલ કમિશનરએ નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ 64 જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં કારણદર્શક નોટિસો ફટકારી છે.
આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી, કર્મચારીઓએ પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી પડે છે. જો આવક કરતાં વધારે મિલકતમાં રોકાણ હોય તો તે અંગે અધિકારીની સ્પષ્ટતા માગી શકાય. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર વર્ષે પ્રોપર્ટી રિટર્ન એટલે કે મિલકતની માહિતી આપવા માટે પરિપત્ર કરવામાં આવે છે. જો કે, અનેક અધિકારીઓ આવી મિલકત જાહેર નહીં કરી પોતાની મિલકત છુપાવતા હોય છે. ત્યારે મ્યુનિ.કમિશનર દ્વારા 64 જેટલાં એધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ પણ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો.