અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાની માલિકીના કિંમતી 22 જેટલા પ્લોટ્સ ઓનલાઈન હરાજીથી વેચવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટ્સ શહેરનાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ નજીક 66,168 ચોરસ મીટરનો છે, જેની કિંમત રૂ. 502 કરોડ છે. એએમસૂ દ્વારા 22 પ્લોટોની જાહેર હરાજીના વેચાણથી કરોડો રૂપિયાની રૂપિયાની આવક ઊભી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં એએમસીની માલિકીના કિંમતી પ્લોટ્સ આવેલા છે. જેમાં ચાંદખેડામાં પાંચ, મોટેરામાં બે, બોડકદેવમાં ત્રણ, નિકોલમાં ત્રણ, મકરબામાં બે, થલતેજ, વટવા, શીલજ, નારોલ અને મુઠીયામાં એક એમ કુલ 22 પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરાયા છે. જેમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા પ્લોટના વેચાણમાંથી જ મ્યુનિ.ને 500 કરોડથી વધુની આવક થશે. જ્યારે બાકીનાં 21 પ્લોટનાં વેચાણમાંથી પણ કરોડોની આવક ઉભી કરાશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા. તેમજ વિકાસનાં કાર્યો કરવા એએમસીને ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ હેતુ માટેના પ્લોટનું ઓનલાઈન જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા 22 જેટલા પ્લોટોના વેચાણની જાહેર હરાજી આગામી 4 એપ્રિલથી 8 એપ્રિલ સુધી કરાશે. જેના RFP બહાર પાડવામાં આવ્યા છે.
એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલ હેતુનાં પ્લોટ્સનું વેચાણ કરવામાં આવે છે. જેનું ઇ ઓક્શન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફિક્સીંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. તમામ 22 પ્લોટો માટે ઓનલાઇન બિડ ભરવાની છેલ્લી તારીખ 2 એપ્રિલ રાખવામાં આવી છે. 4 એપ્રિલથી રોજ અલગ અલગ એક-એક પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી થશે.