Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનની બે બેઠકોની પેટાચૂંટણીમાં સવારે મતદાન ધીમું રહ્યું પણ બપોરે મતદારો ઉમટી પડ્યાં

Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના ઈસનપુર અને ચાંદખેડા વોર્ડના બે બેઠકોની પેટા ચૂંટણીમાં આજે સવારે મતદાન થોડું ધીમું રહ્યું હતું. પણ બપોરે મોટીસંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર આજે પેટાચૂંટણી યોજવામાં આવી છે.  ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

શહેરના ચાંદખેડા વોર્ડમાં આજે સવારે 7 વાગ્યાથી જ અલગ અલગ 24 કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. પ્રારંભમાં મતદાનની ગતિ ધામી રહી હતી.પણ બપોરના ટાણે  મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું હતું. મતદાન કેન્દ્રોની બહાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બુથ લાગ્યા છે. તમામ પક્ષના લોકો મતદાન મથકની બહાર મતદારોને મતદાન કરવા માર્ગદર્શન પણ આપી રહ્યા છે. કુલ 4 ઉમેદવારોને મેદાનમાં ઊભા છે. એક મતદારે જણાવ્યું હતું કે, આજે મેં પેટાચૂંટણી માટે મતદાન કર્યું છે. અમારા વોર્ડના કોર્પોરેટરે રાજીનામું આપતા આજે ફરથી મતદાન કરવું પડ્યું છે જેથી મેં આજે સત્તા પરિવર્તન માટે આજે મતદાન કર્યું છે. પેટા ચૂંટણીનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર થશે.

ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર 100686 મતદારો તેમનું ભાવિ નક્કી કરશે. જેમાં 51997 પુરૂષો અને 48689 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 41.98 ટકા જેટલું મતદાન થયું હતું. ઈસનપુર વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે. ચાંદખેડામાં એક મહિલા કોર્પોરેટેરે વ્યક્તિગત પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 4 ઉમેદવારો મેદાનમાં છે. ચાંદખેડામાં 103670 મતદારો છે. જેમાં 53473 પુરૂષો અને 50197 મહિલાઓનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં ચાંદખેડામાં 39.42 ટકા જેટલું મતદાન થયું હતું. બંને ખાલી જગાઓ પર અગાઉ ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ત્યારે હવે ફરીથી આ બંને બેઠકો પર કોની જીત થાય છે તે બાબતે તમામની નજર મંડાયેલી છે.