અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓના ચેરમેનો, અને સભ્યોની 24મી નવેમ્બરે વરણી કરાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી વર્ષની સત્તા પૂર્ણ થયા બાદ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની એક મહિના પહેલા કરાયેલી નિમણૂક બાદ. હવે એએમસીની વિવિધ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક આગામી 24 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હાલ ઘણા કોર્પોરેટરોએ મહત્વની કમિટીઓના ચેરમેનપદ મેળવવા માટે લોબીંગ શરૂ કર્યું છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ કમિટીઓના ચેરમેનની અઢી વર્ષની ટર્મ 28 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. વિવિધ કમિટીઓના ચેરમેનો અને સભ્યોના રાજીનામાં લઈને નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની 24મી નવેમ્બરે નિમણૂક કરવામાં આવશે. નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂકમાં પણ નો રિપીટની થિયરી અપનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો નવી નિમણૂક બાદ હવે વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક માટે 24 નવેમ્બરના રોજ મેયર પ્રતિભા જૈન દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ કમિટી, વીએસ હોસ્પિટલ કમિટી, રોડ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય, રેવન્યુ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ સહિતની કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. ભાજપ દ્વારા મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી જેના પગલે વિવિધ કમિટીના ચેરમેનમાં પણ નો રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.માં નવા ચેરમેનની નિમણૂક માટે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે તો ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ચેરમેન બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. સિનિયર કોર્પોરેટરો ખૂબ જ ઓછા છે અને જેમાંના કેટલાક કોર્પોરેટરોને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. હવે નવા કોર્પોરેટરોને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવશે. જોકે, અઢી વર્ષમાં ભાજપના કોર્પોરેટરો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ખાસ સક્રિય રહ્યા નથી. માત્ર પોતાના વોર્ડ પૂરતા સીમિત રહેતા હતા. આગામી 24 નવેમ્બરના રોજ જ્યારે નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક થવાની છે, ત્યારે નવા કોર્પોરેટરોએ પણ મહત્વના પદ મેળવવા માટે પોતાના રાજકીય ગોડ ફાધરનો સંપર્ક સાધીને લોબીંગ કરી રહ્યા છે.