અમદાવાદઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકો તેમજ પેન્શનરોને માર્ચ મહિનાનો પગાર અને પેન્શન ખાતામાં એપ્રિલના આઠ દિવસ બાદ પણ જમા ન થતા શિક્ષકોમાં અસંતોષની લાગણી જન્મી છે. જ્યારે મ્યુનિ.ના તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, માર્ચ મહિનો હિસાબી વર્ષનો છેલ્લો મહિનો હોવાથી પગાર અને પેન્શનમાં વિલંબ થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના 4200 શિક્ષકોનો પગાર અટવાયો છે. દર મહીનાની પહેલી તારીખે થતો પગાર ન થતા 4200 શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે. મહિનો શરૂ થયે આઠ દિવસ વિતી ગયા છતાં પગાર થયો નથી, બીજી તરફ સ્કૂલ બોર્ડે જણાવ્યું છે. કે, 11મી એપ્રિલ બાદ પગાર થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ 4200 શિક્ષકો જે સ્કૂલબોર્ડ હેઠળની સ્કૂલોમાં નોકરી કરે છે તેમનો માર્ચ મહિનાનો પગાર હજુ મળ્યો નથી, જ્યારે 5000 નિવૃત થયેલા પેન્શનરોનું પેન્શન પણ અટવાયું છે. જોકે માર્ચ મહિનો હિસાબી વર્ષનો અંતિમ દિવસ હોવાથી 2-3 દિવસ પગાર મોડો થઈ શકે, પરંતુ મહિનાનું એક અઠવાડિયું પૂરું થયું છતાં પગાર થયો નથી, જેને લઈને શિક્ષકો ચિંતામાં મુકાયા છે. આ અંગે સ્કૂલ બોર્ડ શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, 1 તારીખે પગાર થઈ જાય છે જે હજુ નથી થયો તેના કારણે લોનના હપતા અને ઘર ખર્ચમાં તકલીફ પડી રહી છે. 1-2 નહીં 4200 શિક્ષકોનો પગાર ના થતા શિક્ષકો અટવાયા છે. હજુ આગામી 3 દિવસ પગાર થઈ શકે તેમ લાગતું નથી જેનાથી શિક્ષકોને તકલીફ વધી શકે છે. જ્યારે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાઓના તમામ શિક્ષકોના પગાર માર્ચ એન્ડીંગ તથા વહીવટી કારણોને લીધે 11 એપ્રિલ પછી થશે.