અમદાવાદ મ્યુનિએ કચ્છમાં ગ્રીન એનર્જીથી 27 કરોડની વીજ પેદા કરી, વીજળી બિલમાં મોટી રાહત
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચ્છના નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળીના ઉત્પાદન માટે પ્રોજેક્ટ શરૂ કરતા એએમસીને વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે 180 કરોડની વીજળીની બચત કરી છે. પવનચક્કીના પ્રોજેક્ટ દ્વાર મ્યુનિ. દર વર્ષે અંદાજે 5.5 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી 30-35 કરોડની બચત કરી રહ્યુ છે. આ સિવાય મ્યુનિ.એ તેની વિવિધ બિલ્ડિંગો પર સોલર પેનલ લગાવી છે તેના દ્વારા પણ વીજળીની બચત કરવામાં આવી રહી છે. સોલર પેનલ દ્વારા મ્યુનિ. દર વર્ષે 60 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરીને અંદાજે 3 કરોડની બચત થાય છે. આમ ગ્રીન એનર્જી દ્વારા મ્યુનિ. દર વર્ષે અંદાજે 38 કરોડ રૂપિયાની બચત કરે છે. આ સિવાય મ્યુનિ. 50 મેગાવોટના ગ્રીન એનર્જીના પ્લાન્ટ નાખશે. જેનાથી મ્યુનિ.ને દર વર્ષે 60 કરોડ રૂપિયાની બચત થશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું વીજળી બિલ વર્ષે કરોડો રૂપિયાનું આવતું હતું. શહેરમાં સ્ટ્રીટલાઈટ, વોટરપંપ, મ્યુનિની વિવિધ કચેરીઓ ઉપરાંત અન્ય વીજળી ઉપકરણોને લીધે વીજબિલમાં વધારો થઈ રહ્યો હતો. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સોલાર ઉપરાંત પવન ચક્કીથી વીજળી ઉત્પાદનનો વર્ષો પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કચ્છના નખત્રાણા અને જામજોઘપુર પવન ચક્કીથી 21 મેગાવોટ વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેનાથી વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. મ્યુનિ.એ 2015-16ના વર્ષમાં ગ્રીન એનર્જી માટેના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. 2016થી અત્યાર સુધીમાં મ્યુનિએ 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે રૂ.180 કરોડની વીજળીની બચત કરી છે. આ સિવાય મ્યુનિ.એ 2024-25ના બજેટમાં 50 મેગાવોટ ગ્રીન એનર્જીના પ્લાન્ટની દરખાસ્ત મૂકી છે. અધિકારીએ જણાવ્યું કે, અત્યારની સ્થિતિમાં ગ્રીન એનર્જીથી મ્યુનિ.ના કુલ વીજળી વપરાશના 12થી 15 ટકા વીજળી પવનચક્કી અને સૌરઊર્જાના પ્રોજેક્ટથી ઉત્પન્ન થાય છે.