- નાગરિકો પોતાના વિસ્તારોમાં રોડ-ગટર, પાણી સહિતના કામો માટે સુચનો મોકલી શકશે,
- નાગરિકો 29 નવેમ્બર સુધીમાં નામ,મોબાઈલ નંબર સાથે સુચનો મોકલી શકે છે,
- નાગરિકોના સુચનોનો બજેટના કામોમાં સમાવેશ કરાશે
અમદાવાદઃ શહેરના ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ આગામી વર્ષ 2025-26ના બજેટની તૈયારી કરી રહ્યા છે. ત્યારે શહેરના નાગરિકો પણ પોતાના વિસ્તારના વિકાસના કામો અંગે યોગ્ય સુચન કરશે તો તેવા કામોનો બજેટમાં સમાવેશ કરાશે. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ શહેરના નાગરિકો પાસેથી સુચનો માગ્યા છે. નાગરિકો આગામી 29મી નવેમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202526@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ-બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. અમદાવાદીઓ 25થી 29 નવેમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202526@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.
આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે, તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલાં વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાં નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોએ પોતાના સૂચન આપ્યા હતા અને તેમાંથી 10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. બાકીના સૂચનો જે ફરિયાદો મુજબ નિકાલો પણ કરવામાં આવ્યા હતા. રોડ રસ્તા ગટર પાણી સહિતની મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ અંગેના સૂચનો કર્યા હતા. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિને લઈને પણ નાગરિકોએ સૂચન કર્યા હતા કે, કઈ રીતે રેવન્યુ મ્યુનિ. કોર્પોરેશનની વધી શકે છે.