અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 10 સ્કુલબસ તૈયાર, હવે સિગ્નલો પરના ભિખારીના બાળકોને ભણાવાશે
અમદાવાદઃ શહેરના ચાર રસ્તાઓ પર ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. સરકારે ભિખારીમુક્ત શહેર કરવાનું નક્કી કર્યું હતું. ભિખારીઓને શેલ્ટર હોમમાં વસાવીને રોજગારી આપવાનો પ્લાન નક્કી કરાયો હતો. પરંતુ આ દિશામાં કોઈ જ પ્રયાસો કરાયા નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભિક્ષા માગતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મળી રહે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્કુલ બસ દ્વારા ચાર રસ્તાઓ-સિગ્નલો પર ભીખ માગતા બાળકોને શિક્ષણ આપવામાં આવશે. મ્યુનિના સત્તાધિશોનો હેતુ સારો છે.પરંતુ ભીખ માગતા બાળકોના વાલીઓ તેમના બાળકોને સ્કુલ બસમાં મુકશે ખરા ?. તે મોટો પ્રશ્ન છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગરીબ બાળકો માટે સિગ્નલ સ્કૂલ બસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં વધુ બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તેવા હેતુથી આ યોજના શરુ કરવામાં આવી છે. 2 કરોડ 87 લાખના ખર્ચે આ યોજનામાં 10 બસ તૈયાર કરવામાં આવશે. આ બસોમાં વિદ્યાર્થીઓની તમામ સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક બસમાં 20 વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે. આ બસમાં સ્માર્ટ ટીવી પણ હશે જેમાં ઈન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવશે. આ બસ ભિક્ષા માગતા બાળકોને ભણાવશે. બસમાં મધ્યાન ભોજન અને પાણીની સુવિધા પણ હશે અને બાળકો વધુમાં વધુ અભ્યાસ કરવા આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે.
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરાયેલી આ અનોખી યોજનામાં બસની અંદર જ શિક્ષકની ટીમ હશે. શિક્ષકો અત્યાધુનિક સુવિધાઓ સાથે બાળકોને શિક્ષણ પૂરું પાડશે. શાળાને અનુરૂપ 8 મોટી બસની ડિઝાઈન તૈયાર કરી જે તે સ્થળે શિક્ષણ આપવાની જોગવાઈ કરાઈ છે. દરેક બસમાં 2 શિક્ષક અને 1 હેલ્પરની વ્યવસ્થા રહેશે. બાળકોને શૈક્ષણિક કિટ, પાઠય પુસ્તક, MDS, સ્કોલરશીપ યોજનાઓનો લાભ અપાશે. બાળકોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચકાસણી પણ કરાશે. બાળકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતા રીતે પૂર્ણ કરે ત્યાં સુધી તેમનું ટ્રેકીંગ કરાશે. હાલ 20 જાહેર રસ્તા પરના 139 વિદ્યાર્થીઓને 8 બસના માધ્યમથી સિગ્નલ સ્કૂલ કોન્સેપ્ટથી સફળતાપૂર્વર 9:30થી 11:30 સુધી શિક્ષણ અપાશે.