Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાર્કિંગના સ્થળ નક્કી કરવાનું કામ ખાનગી કંપનીને સોંપાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે વર્ષમાં વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાય રહ્યા છે. સાથે જ પાર્કિંગનો પ્રશ્ન પણ માથાના દુઃખાવારૂપ બન્યો છે. મ્યુનિ. કોર્પોરેશને વર્ષ  2021માં બનાવેલી પાર્કિંગ પોલિસી હેઠળ નક્કી કરેલાં 200 ઓનસ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ લેવા કોઈપણ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી. લોકો પૈસા ચૂકવતા ન હોવાથી સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે પાર્કિંગ પોલિસીમાં પણ ફેરફાર કરવા મ્યુનિ.એ તૈયારી કરી છે. ફેબ્રુઆરી મહિનામાં 9 સ્થળે પાર્કિંગ માટેના ટેન્ડર બહાર પાડ્યા તેમાંથી માત્ર 3 કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો હતો. હવે પાર્કિંગના ઓનસ્ટ્રીટ અને ઓફસ્ટ્રીટના સ્થળ પસંદ કરવા માટે મ્યુનિ.એ ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. આ એજન્સી જે તે સ્થળની ગીચતા, ત્યાં થતો ટ્રાફિક અને ત્યાં થતાં વાહનોના પાર્કિંગને આધારે સ્થળની પસંદગી કરશે. જો કે મ્યુનિ.નો આ પ્રયોગ પણ સફળ થશે કે કેમ તે અગં શંકા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા માટે ઓનસ્ટ્રીટ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ માટે પોલીસી બનાવી હતી. લોકો પોતાના ઘરની બહાર પણ આડેધડ પાર્કિંગ કરતા હોય છે. તેમજ ફુટપાથની જગ્યાઓ પર પણ પાર્કિંગ કરવામાં આવતા હોય છે. મ્યુનિ.દ્વારા પાર્કિંગના સ્થળ નક્કી કરવામાં આવે તો મ્યુનિ.ને પણ આવક થાય અને શહેરીજનોને પણ પાર્કિંગ માટેની યોગ્ય જગ્યા મળી રહે તેમ છે.  હવે મ્યુનિ.દ્વારા આગામી 10 વર્ષના વિકાસ અને વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ યોજના તૈયાર કરશે. ટ્રાફિકને ધ્યાનમાં રાખી શહેરમાં કયા સ્થળે ઓનસ્ટ્રીટ અને કયા સ્થળે ઓફ સ્ટ્રીટ પાર્કિંગની જરૂર છે તે નક્કી કરવાનું કામ કન્સલ્ટન્ટને સોંપાશે. શહેરમાં કયા સ્થળે ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગની આ‌વશ્યકતા છે તે બાબતે સરવે કરીને અભિપ્રાય મેળવવા માટે મ્યુનિ.એ ખાનગી એજન્સીઓ પાસેથી ટેન્ડર મગાવ્યા હતા. પાર્કિંગ પ્લાન બનાવવા માટે મ્યુનિ. એજન્સીની મદદ લેશે. શહેરના તમામ વિસ્તારમાં માંગ અને પુરવઠા પ્રમાણે પાર્કિંગની સ્થિતિ તૈયાર કરવી. ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે યોગ્ય ડિઝાઈન તૈયાર કરવાની રહેશે. તે માટે એજન્સી દ્વારા યોગ્ય ટ્રાફિક સરવે, પાર્કિંગ સરવે, પાર્કિંગ ઉપયોગનો સરવે આગામી વસતી વધારાનો સરવે, પાર્કિંગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સરવે અને તેને લગતાં ડેટાનું એનાલિસિસ કરી રિપોર્ટ આપવાનો રહેશે. એટલું જ નહીં ઓન સ્ટ્રીટ પાર્કિંગ ઉભા કરવાના રહેશે. પાર્કિંગના દર પણ નક્કી કરવાના રહેશે, તથા તે ફરી ક્યારે વધારવા સહિતની નીતિ નક્કી કરવાની રહેશે. વસતીને ધ્યાને લઇને કયા વિસ્તારમાં કેટલા પાર્કિંગની આવશ્યકતાં છે તે પણ નક્કી કરવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં ઠેર ઠેર કારના પાર્કિંગ રોડ પર જ થાય છે. મ્યુનિ.એ નવી પાર્કિંગ પોલિસીમાં પરમિટ આપવાની પણ જોગવાઈ રજૂ કરી હતી. પરંતુ માંડ એક જ સોસાયટીએ તેમાં રસ દાખવ્યો હતો. જો કે, જે દર મ્યુનિ.એ નક્કી કર્યા હતા તે વધુ હોવાથી હવે તેમાં પણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે.શહેરમાં 39 લાખ વાહનમાંથી 7 લાખ વાહન ફોર વ્હિલર છે, ત્યારે તેમના પાર્કિંગ માટે યોગ્ય જગ્યા નહીં હોવાથી આડેધડ પાર્કિંગ થઇ રહ્યું છે. કેટલીક જગ્યાએ તો ફૂટપાથ પર પણ પાર્કિંગ થઇ રહ્યા છે.