Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો કરવા આડેધડ અપાતી નોટિસ

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ મહિનાનો ટાર્ગેટ પુરો કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટેની નોટિસો મોકલવામાં આવી રહી છે. જેમાં કેટલાક પ્રોપર્ટીધારકોને ચાલુ વર્ષનો જ ટેક્સ બાકી હોય અથવા અગાઉ ટેક્સ ભર્યો હોય એમાં નજીવી રકમ બાકી હોય એવા કરદાતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. એએમસીના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા નારણપુરા વિસ્તારના એક પ્રોપર્ટીધારકને વર્ષ 2023-24નું માત્ર 6 રૂપિયા બાકી બિલ ભરવા તેને છેલ્લી ચેતવણીની નોટિસ આપી દીધી હતી. જો કે, પાછળથી આ ભૂલ સમજાતા ટેક્સ વિભાગ દ્વાર નોટિસ પર લઇ લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે પણ પ્રોપર્ટી ટેક્સ ધારકનું રૂપિયા 500 અને 1,000થી વધુનું બિલ બાકી હોય તેમને છેલ્લી ચેતવણી અને પાણી-ગટરનું કનેક્શન કાપવા સુધીની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા નારણપુરા વિસ્તારમાં એક પ્રોપર્ટીધારકનું ટેક્સનું બાકી બિલ માત્ર 6 રૂપિયા માટે છેલ્લી ચેતવણીની નોટિસ આપી હતી. જેમાં લખ્યું હતું કે, જો રૂપિયા 6 + વ્યાજ ત્રણ દિવસમાં નહીં ભરવામાં આવે તો પાણી તેમજ ગટરનું કનેક્શન કાપી નાખી જાહેર હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, માત્ર છ રૂપિયાનું બિલ બાકી હોવાથી પ્રોપર્ટીધારકે તાત્કાલિક બાકી ટેક્સના છ રૂપિયા ભરી દીધા હતા. પરંતુ એએમસીના ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કે, એક તરફ 500થી એક હજાર રૂપિયાથી વધુનું જ્યારે બિલ બાકી હોય તેવા લોકોને નોટિસ આપવાની અને પાણી તેમજ ગટરનું કનેક્શન કાપવા માટેની નોટિસ આપવામાં આવે છે. પરંતુ જ્યાં મોટા ટેક્સ બાકી છે ત્યાં જઇ અને તેનું સીલ મારી પૈસા વસૂલ કરવાની કામગીરી કરવામાં આવતી નથી.