અમદાવાદઃ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં વંદા, ગરોળી સહિત જીવજંતુઓ નીકળવાના બનાવો વધી રહ્યા છે. ખાણી-પીણીના વેપારીઓ પુરતી સ્વચ્છતા અને દેખરેખ રાખતા ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે ફુડ સેફ્ટીનો કાયદો વધુ કડક બનાવવો જોઈએ. અને ખાદ્ય વસ્તુઓમાં જીવ જંતુ નિકળે એવા વેપારીઓને આકરો દંડ અને સજા કરવી જોઈએ. આથી અમદાવાદ મ્યુનિ. સહિતના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગોએ પેટા કાયદામાં સુધારાની સરકારને ભલામણ કરી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં જીવ-જંતુઓ, ગરોળી, દેડકા સહિત મળી આવવાના તાજેતરમાં બનાવો બન્યા છે. આવા વેપારીઓને કડકમાં કડક સજા મળે તેવી જોગવાઈ કરવી જોઈએ. એક વખત ફુડ એક્ટના પેટા કાયદામાં સુધારો થશે પછી ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળે તો હોટેલ-રેસ્ટોરાંના સંચાલકો રૂપિયા 5 હજાર દંડ ભરી છૂટી નહીં શકે. છેલ્લા 6 મહિનામાં ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળ્યા 21 ઘટના બની છે. અત્યારે એવું બને છે કે, આવી બેદરકારી પકડાવા છતાં હોટેલ કે રેસ્ટોરાંનો માલિક માંડ 5 હજાર દંડ ભરીને છૂટી જતો હોય છે. જીપીએમસી એક્ટ હેઠળ મહત્તમ 5 હજાર દંડની જોગવાઈ છે. એકમ સીલ થાય તો પણ પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ રજૂ કરી માલિક છૂટી જતા હોય છે, કાયદાનો કોઈ ડર રહેતો નથી. પેટા કાયદામાં સુધારા કરવામાં આવે પછી કસૂરવાર એકમો પર મોટી રકમનો દંડ લદાઈ શકે છે. અને ખાદ્ય એકમો લાંબા સમય સુધી સીલ થઈ શકે છે. હજુ સુધી દંડ વધારીને કેટલો રાખવો કે કેટલી સમયમર્યાદા સુધી એકમ સીલ કરવું તેનો અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી લેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ફુડ એક્ટમાં સુધારાને મંજુરી અપાશે તો મ્યુનિને ખાદ્યપદાર્થોનો નાશ કરવાની સત્તા મળી શકે છે જીપીએમસી એક્ટ મુજબ જ્યાં 5 હજારનો મહત્તમ દંડ લેવાય છે, ત્યાં સુધારા બાદ દંડની રકમમાં અનેકગણો વધારો થઈ શકે છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીલિંગની સત્તા નહીં હોવાનું કહેવાય છે, જો કે આ બાયલોઝમાં હોટેલ-રેસ્ટોરાં સીલિંગની સત્તા મળી શકે છે. અખાદ્યપદાર્થનો નાશ કરવા માટે વધુ અસરકારક સત્તા મળી શકે છે. કાયદા મુજબ ગ્રાહક પોલીસ ફરિયાદ પણ કરી શકે છે. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 3 મુજબ ખાદ્યપદાર્થોની ગુણત્તા, તેનું પેકેજિંગ અને તેના સલામત ઉપયોગ અને વપરાશની ચકાસણી કરવા અધિકારીની નિમણૂક કરાય છે. જો ખાદ્યપદાર્થમાં જીવજંતુ હોય, દુર્ગંધ મારતી હોય કે સડેલા હોય છતાં સાવચેતી રાખવામાં ના આવે તો કલમ 48 હેઠળ દોષિત ઠરતા આરોપીને 3 માસથી 3 વર્ષ સુધીની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. ગ્રાહક પોલીસ ફરિયાદ પણ કરી શકે છે.