ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પશુઓ માટે નવી પોલીસી લાગુ કરી
અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આ મુદ્દે પોલીસી બનાવવાના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને ટકોર કરી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુઓ માટેની નવી પોલીસીને મંજુરી આપી દીધી છે, નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. કોઇપણ પશુ અમદાવાદ શહેરની હદમાં લાવતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. જો કોઇ પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી, RFID ચીપ અને ટેગ લગાડવાની તેમજ પરમિટ/ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પશુઓને ઓળખી શકાય તે માટે શહેરમાં રહેલા દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનો રહેશે.
ગુજરાત હાઇકોર્ટમાં બે દિવસ પહેલા જસ્ટિસ એ.એસ.સુપેહિઆ અને એમ.આર. મેંગડેની બેંચમાં અમદાવાદ શહેર અને રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રોડ અને ટ્રાફિક સમસ્યા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નવી ઢોર પોલિસી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અગાઉ રાજ્ય સરકાર ઢોર નિયંત્રણ કાયદો લાવી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો લાગુ કર્યો નહોતો.
ગુજરાતમાં નાના મોટા શહેરોમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લઇ લેતા ત્રણ મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઢોર પોલિસીને ભાજપના સત્તાધિશોએ લાગુ કરવાની મંજૂરી નહોતી આપી તેને હવે અમદાવાદમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. કોઇપણ પશુ અમદાવાદ શહેરની હદમાં લાવતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. જો કોઇ પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી, RFID ચીપ અને ટેગ લગાડવાની તેમજ પરમિટ/ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પશુઓને ઓળખી શકાય તે માટે શહેરમાં રહેલા દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો તૈયાર કરાયો હતો, પરંતુ ચૂંટણીને કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં જે જોગવાઇઓ હતી તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર પર અંકુશ લાવવા માટેની ઢોર પોલિસીને ભાજપના સત્તાધિશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.