અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે પ્રજાના ટેક્સના પૈસામાંથી તમામ કોર્પોરેટરોને લેપટોપ અને પ્રિન્ટર આપશે
અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની કરોડા રૂપિયાની આવક થાય છે. પરંતુ અણઘડરીતે કરાતા ખર્ચાઓને કારણે શહેરમાં રોડ રસ્તા બનાવવા અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે પૈસા નથી જેના લીધે કરોડા બીલ પેન્ડીંગ પડ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક ટેબલે કોમ્પ્યુટર હોવા છતાં 192 કાઉન્સિલરો તથા મ્યુનિ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ લેપટોપ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે, નાના મોટા ખર્ચા પર કાપ મુકાઈ રહ્યો છે. શાસકોએ તો અધિકારીઓની ખરીદી સત્તા પર કાપ મુકી દીધો હતો, ત્યારે હવે અધધધ રૂ. 2 કરોડ જેટલો ખર્ચ કરી તમામ કોર્પોરેટરો માટે લેપટોપ અને પ્રિંટરની ખરીદી કરવામાં આવશે. જેમાં 75 હજારની કિંમતનું લેપટોપ અને 15000 નું પ્રિન્ટર પણ આપવામાં આવશે. હર હમેશાં વિરોધ કરનાર કોંગ્રેસે પણ લેપટોપ લેવા માટે સમર્થન કર્યું હતું. આમ નાગરિકોના ટેક્સના નાણાથી કોર્પોરેટરોને લેપટોપ અપાશે.
અમદાવાદ મ્યુનિના જ એક અધિકારીએ નામ નહીં લખવાની સરતે જણાવ્યું હતું કે, કેટલાક કાઉન્સિલર ધોરણ 10 અને 12 પાસ પણ નથી. આવા પ્રતિનિધિઓ લેપટોપનો કેવી રીતે ઉપયોગ કરશે. પ્રજાના પૈસાથી મળતા લેપટોપ લેવા તમામ કાઉન્સિલરો તૈયાર થઇ ગયા છે. એએમસી સ્ટેન્ડિગ કમિટીમાં લેપટોપ ખરીદીની દરખાસ્ત મંજુર કરાઇ છે. જો એએમસીની આર્થિક સ્થિતી નબળી હોય તો, કાઉન્સિલરો અને અધિકારીઓના જલસા માટે નાણાં ક્યાંથી આવ્યા ? એક તરફ એએમસી પાસે રોડ રસ્તા બનાવવા અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે પૈસા નથી. ત્યારે કોર્પોરેશનની ‘ખાલી તિજોરી’ માંથી લેપટોપ અને પ્રિન્ટરની ખરીદી કરશે. ગત ટર્મ 2015માં પણ લેપટોપ પાછળ ધુમાડો કરાયો હતો. કોરોનામાં ઓનલાઇન સામાન્ય સભામાં કાઉન્સિલરોએ મોબાઇલનો ઉપયોગ કર્યો હતો.
(PHOTO-FILE)