અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તાઓ પરના ઘટાટોપ વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જરૂરી હોય છે. ત્યારે વૃક્ષોની ડાળીઓ સુધી પહોંચવા માટે હાઈડ્રોલીક વાહનની જરૂર પડે છે. આથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 17 હાઈડ્રોલીક વાહનો ખરીદવા માટે રૂપિયા 3.65 કરોડના ખર્ચને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ વાહનથી સ્ટ્રીટ લાઈટ પોલને નડતરરુપ વૃક્ષોના નડતરરુપ ડાળીઓ સરળતાથી ટ્રીમીંગ કરી શકાશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં આવેલા વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવા માટે 17 જેટલા હાઈડ્રોલીક વાહન ખરીદાશે.રુપિયા 3.65 કરોડના ખર્ચથી વાહનો ખરીદાયા બાદ ઝોન દીઠ બે વાહન વૃક્ષોના ટ્રીમીંગ માટે ફાળવવામા આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસાના સો દિવસના સમયમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ત્રીસ લાખ રોપા, વૃક્ષો વાવવાનું આયોજન કરવામા આવ્યુ છે.અત્યાર સુધીમાં 22 લાખ રોપા,વૃક્ષોનુ પ્લાન્ટેશન કરવામા આવ્યુ છે. વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષો ભારે પવન,વરસાદ કે વાવાઝોડા સમયે ધરાશાયી થવાના બનાવ બને છે.શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વધુ ઉંચાઈના આવેલા તેમજ આંતરીક રસ્તાઓ ઉપર નમી પડેલા વૃક્ષોના ટ્રીમીંગ કરવા માટે હાઈડ્રોલીક લિફટીંગ સુવિધા અને બકેટ ધરાવતા 17 વાહનો ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી છે.આ વાહનથી સ્ટ્રીટ લાઈટ પોલને નડતરરુપ વૃક્ષોના નડતરરુપ ડાળીઓ સરળતાથી ટ્રીમીંગ કરી શકાશે. શહેરના ઝોનદીઠ બે હાઈડ્રોલીક વાહનો ફાળવવામાં આવશે.
અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા 72 મંદિરોમાં આજથી 15ઓગસ્ટ સુધી તુલસીના રોપાનુ વિતરણ કરવામા આવશે.મંદિર દીઠ સો તુલસીના રોપા આપવાનો નિર્ણય કરાયો હોવાનુ રીક્રીએશન કમિટી ચેરમેન જણાવ્યુ હતુ.