અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો દર વર્ષે અમલ કરવામાં આવે છે. અને દર વર્ષે આ યોજનાને સારોએવો પ્રતિસાદ મળે છે. આ વખતે સૌપ્રથમ વખત 15 ટકા સુધી એડવાન્સ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં ટેક્સ નિયમિતપણે, સમયસર ભરતા નાગરિકોને વધુ પ્રોત્સહન અપાશે.તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવાના હેતુસર જે કરદાતાઓએ સને 2022-23 સુધીનો સંપૂર્ણ ટેક્ષ, સેસ, વેરા, રેન્ટ વ્યાજ વિગેરે ભરેલ હોય અને માંગણું શુન્ય કરાવેલ હોય એવા કરદાતાઓને પણ રિબેટમાં વિશેષ લાભ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપ્રટી ટેક્સ માટે આકર્ષક રિબેટ યોજના જોહેર કરવામાં આવી છે. જેમાં વર્ષ 2023-24નો પ્રોપર્ટી ટેક્ષ એડવાન્સમાં તા.18/04/2023 થી તા.17/05/2023 સુધીમાં ભરપાઇ કરે તો તેવા કરદાતાઓને ચાલુ વર્ષ 2023-24 ની મ્યુ. પ્રોપર્ટી ટેક્ષની રકમ (જનરલટેક્ષ + વોટર ટેક્ષ + કોન્ઝરવન્સી ટેક્ષ) ઉપર રાહત આપવામા આવશે. નાણાંકીય વર્ષ 2023-24 માટે AMCની એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરાઇ છે જે આગામી 18 એપ્રિલથી 17 મે દરમ્યાન અમલમાં માટે મુકાઇ છે. AMC ના બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા પ્રત્યક્ષ અને ઓનલાઇન પદ્ધતિ પેમેન્ટ માટે અલગ-અલગ ટકા મુજબ રિબેટ મળશે. ચાલુ વર્ષનો એડવાન્સ ટેક્સ પ્રત્યક્ષ ભરનારને તોતિંગ 12 ટકા તેમજ પાછલા ત્રણ વર્ષમાં એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો વધુ 2 ટકા રિબેટ મળશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની જે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 12 અને અગાઉ 3 વર્ષનો એડવાન્સમાં ભરનારને 2 ટકા. અને ઓનલાઇન ટેક્સ ભરનારને વધુ 1 ટકા મળી કુલ 15 ટકા રિબેટ આપવામાં આવશે. એડવાન્સ ટેકસ સ્કીમ થકી એએમસીને ચાલુ નાણાંકીય વર્ષમાં 400 કરોડના આવકનો અંદાજ છે. ત્યાં જ એક કરતા વધુ વર્ષ માટે પણ એડવાન્સ ટેક્સ ભરવા માંગતા કરદાતાને પણ મોટો લાભ મળશે. વ્યાજમાફી યોજના પણ અમલમાં હોવાથી કરદાતા ડબલ બોનાન્ઝા સ્કીમનો લાભ પણ મળેવી શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન જે કરદાતાઓને ચાલુ વર્ષના ટેક્ષની પૂરેપૂરી રકમ ક્રેડીટ હશે. તેઓને ઓનલાઇન પેમેન્ટનો લાભ આપવામાં આવશે. તેમજ કરદાતાઓ ચાલુ વર્ષ 2023-24 ઉપરાંત પણ આગળના વર્ષોનો ટેક્ષ પણ ભરી શકશે. પરંતુ જે-તે વખતે જે રીબેટની સ્કીમ ચાલુ હશે તે જ લાભ તેમને મળશે. 100% વ્યાજ માફીની યોજના પણ 30/04/2023 સુધી ચાલુ છે. તેમજ હવે એડવાન્સ રીબેટ યોજના પણ લાગુ કરવામાં આવશે. તેથી કરદાતાઓ હવે જૂની બાકી ટેક્ષમાં 100% વ્યાજ રાહત મેળવવાની સાથે ચાલુ વર્ષના ટેક્ષમાં પણ મહત્તમ રીબેટ મેળવી શકશે. આમ, હવે અમદાવાદ શહેરના કરદાતાઓને ડબલ બોનાન્ઝા યોજના મળશે.