અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગનું કૌભાંડ, વિજિલન્સ તપાસની માગ છતાં કોઈ પગલા ન લેવાયા
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયું છે. દરેક વિભાગમાં વધતો-ઓછો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મ્યુનિ, કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ એ આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાય છે. પણ આ ટેકસ વિભાગ પણ ભ્રષ્ટાચારની બાકાત નથી. ખૂદ રેવન્યુ કમિટીના ચેરમેને જ વિજિલન્સની તપાસ માગી છે. તેમના કહેવા મુજબ 150 નાગરિકોના પૈસા જમા ન થયા હોવા છતાં તેમની જમા ક્રેડિટ બોલી રહી છે. અગાઉ પણ આ ફરિયાદ થઈ ચુકી છે. પણ કોઈ કારણસર પગલા લેવામાં આવતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં સિસ્ટમમાં ચેડાં કરીને લોકોના પૈસા મ્યુનિ. કોર્પોરેશનના ખાતામાં ઓછા અથવા જમા જ ન થતાં હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી છે કે, ગત મહિને 150થી વધુ લોકોના ટેક્સના પૈસા ઓછા અથવા જમા જ થયા નથી. સિસ્ટમમાં ચેડા કરીને સેટલ અથવા ક્રેડિટ થયા છે. દરેક ઝોનમાં આવી ટેક્સની અનિયમિતતા અને બિલની રકમ છે, તેમજ આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ કરી અને અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવાયા છે કે કેમ તે અંગે પણ માહિતી માંગી છે.
મ્યુનિના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે ટેક્સ કૌભાંડ મામાલે વિજિલન્સ તપાસની માંગ કરી છે. આ તેમણે વિજિલન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને પત્ર લખી જણાવ્યું છે કે સિસ્ટમમાં ચેડા કર્યા અને ટેકસ બિલમાં સેટલમેન્ટ કરી અને ગંભીર ગુનો કરવામાં આવ્યો છે, જેની વિજિલન્સ તપાસ કરી 15 દિવસમાં આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવે. રેવન્યુ કમિટીના ચેરમેને મ્યુનિ. કમિશનરને પણ પત્ર લખીને રજુઆત કરી છે. કે ફરી એકવાર સિસ્ટમમાં ચેડા કરી અને મ્યુનિ.કોર્પોરેશનને નુકસાન થાય તે રીતે ટેક્સના નાણાં જમા કરાવતા લોકોના પૈસા ખાતામાં જમા થયા વગર ટેક્સ જમા થઈ ગયો હોવાનું બતાવતામાં આવે છે. રેવન્યુ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં થયેલ ટેક્સ પેમેન્ટમાં 150થી પણ વધુ લોકોના કોર્પોરેશનમાં ટેક્સ જમા થયા વગર અથવા તો ઓછા નાણાં ભરીને સિસ્ટમ સાથે ચેડા કરીને સેટલ/ક્રેડિટ થયા હોય તેવું જાણવા મળ્યું હતું.