અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ 175થી વધારે બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો 140થી વધારે બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે 48 જેટલી બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ હતી. વર્ષ 2015ની ચૂંટણીમાં જે વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હતી તે ના તૂટે તેવી રણનિતિ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી આઈ.કે.જાડેજાએ દાવો કર્યો છે કે, પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ તેમાં કાર્યકર્તામા અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત સમયે સંધર્ષનો સમય હતો. આ વખતે કોંગ્રેસને તેનો ગઢ સાચવવાની જ તકલીફ થઈ છે.