Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિનો રખડતા ઢોર પકડવા માટે પ્રતિદિન એક લાખનો ખર્ચ છતાં યોગ્ય કામગીરી થતી નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા માટે પ્રતિદિન એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દુર કરી શકાઈ નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના પદાધિકારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 21 ટીમો પાછળ રોજનો એક લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે જેની સામે માત્ર 60થી 65 જેટલાં  ઢોર પકડવામાં આવે છે. જેને લીધે  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ ખૂબ  નારાજ થયા હતા. અને ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક કરવા સૂચના આપી હતી.

અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર મામલે  સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. રખડતા ઢોર પકડવા માટે ઢોર નિયંત્રણ વિભાગની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જેમાં રોજના માત્ર 60થી 65 જેટલા જ ઢોર પકડવામાં આવે છે. 21 ટીમો જેમાં એક ટીમમાં સાત જેટલા લોકો રાઉન્ડ ક્લોક કામગીરી કરે છે. વિભાગને જોઈએ તે મુજબ વાહનો અને સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. છતાં પણ રોજના માત્ર 60 જેટલા જ ઢોર પકડવામાં આવે છે. એક ઝોનમાંથી પૂરતા 10  ઢોર પણ પકડવામાં આવતા નથી. જેથી વિભાગની કામગીરી મામલે ખૂબ જ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુ ઢોર પકડી અને ડબ્બે પુરવા સૂચના આપવામાં આવી હતી.

શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે રોજના અનેક અકસ્માતોની ઘટના બને છે. હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવ્યા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની કામગીરી મજબૂત થવાની જગ્યાએ અસરકારક થઈ નથી. જેને લીધે  ભાજપના સત્તાધીશોને ટકોર કરવી પડી છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના પદાધિકારીઓએ સીએનસીડી વિભાગની કામગીરી ગ્રાઉન્ડ લેવલે જોવાની જરૂર છે. કે ખરેખર રોડ ઉપર કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે. ભાજપના સત્તાધીશોએ ટીમો રીતે કામગીરી કરે છે તેનો અચાનક તપાસ કરવી જોઈએ અને જો કામગીરી યોગ્ય ન હોય તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કમિશનરને સૂચના આપવી જોઈએ. (file photo)