અમદાવાદ: AMTS બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ
અમદાવાદઃ AMTS માં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો મામલે AMTS ચર્ચાનો વિષય બની છે. જેથી જમાલપુરમાં આવેલ AMTS ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બસોમાં GPS લગાવવામાં આવેલું છે. જેનાથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને AMTS બસ બસ સ્ટોપ પર ઊભી ન રહે અને રૂટ બહાર જાય તો તેની તરત જ જાણ થાય છે. બસની સ્પીડ કેટલી છે તે પણ કંટ્રોલ રૂમમાંથી જાણી શકાય છે. આ અંગે વધુ માહિતી આપતા AMTS ના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર રાજેન્દ્ર પ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમ સવારે 6:00 કલાકથી લઈને રાતે 10:00 વાગ્યા સુધી ચાલુ રહે છે, અને રોડ પર ફરતી તમામ બસોની માહિતી અહીંથી મેળવી શકાય છે.
શહેરમાં પ્રજાના પરિવહન માટે વર્ષોતી એએમટીએસ સેવા ચાલી રહી છે, આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા બીઆરટીએસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેથી હાલ મનપા દ્વારા શહેરીજનોના પરિવહન માટે એએમટીએસ અને બીઆરટીએસની સેવા પુરી પાડવામાં આવી રહી છે. જો કે, કેટલાક સમયથી એએમટીએસ બસના અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે એટલું જ નહીં બસ ચાલકો સામે પણ ફરિયાદો વધી છે. જેના પરિણામે એએમટીએસ તંત્ર સફાળુ જાગ્યું છે. એટલું જ નહીં બસના અકસ્માતો ઉપર કાબુ મેળવવા માટે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. એટલું જ નહીં બસ ચાલકોને જરુરી તાલીમ પણ આપવામાં આવી રહી છે.