અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસના અમૂલ્ય અવસરે માતૃભાષામાં પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદ ખાતે નૈષધ પુરાણી એ હાજરી આપી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સ્વયંરચિત કવિતાઓ, દુહા, મુક્તક, હાઈકુ, વાર્તા વગેરે જેવી રચનાઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતી કક્કો, ગુજરાતી તળપદા શબ્દો, કહેવતો, અર્થ વગેરે વિષયને લઈને ગુજરાતી ભાષા પર એક પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે આયોજનમાં ભાગ લેવાનું હર્ષત્વ જણાયું હતું.
નૈષધજી એ ગુજરાતી હોવાના ગર્વ સાથે હરનામ ગોસ્વામીનો એક શૅર કેહતા કહ્યું કે ,” એના કરતા હે ઈશ્વર દે મરવાનું, હવે ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?”. આ વાત દ્વારા તેમણે ભાષામાં લાગણીઓ કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે તે જણાવ્યું હતું. ઉપરાંત ગમ્મત સાથે વિદ્યાર્થીઓને કેવી રીતે ગુજરાતી એ નવું cool છે એને અપનાવો અને ગુજરાતી ભાષાના મહાત્મ્યને અંગ્રેજી ભાષા સાથે ન સરખાવતા ગુજરાતી ને મમત બનાવી સ્વરમાં વસાવી દૂધમાં સાકરની જેમ ઘોળી તેને બોલો અને ગુજરાતી હોવાનું ગર્વ અનુભવો તે જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઢોલ, ખંજીરા-મંજીરા તથા વાંસળી જેવા વાદ્યો સાથે ગુજરાતી કાવ્યોનું ગાયન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને તેમની પ્રસ્તુતિઓ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.