અમદાવાદઃ રથયાત્રા રૂટ ઉપર ના 283 ભયજનક મકાનોને નોટિસ અપાઈ
- મનપા દ્વારા રૂટ ઉપર કરાયો સર્વે
- સૌથી વધારે ભયજનક મકાન ખાડિયામાં
- દરિયાપુર વોર્ડમાં પણ 84 મકાનો ભયજનક
અમદાવાદ: શહેરમાં અશ્રાષી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રથયાત્રાના પરંપરાગત રૂટ ઉપર આવતા 283 જેટલા ભયજનક મકાન આવેલા છે. આ મકાનોને મનપાએ નોટિસ પાઠવી છે. ખાડિયામાં સૌથી વધારે 176 જેટલા મકાન ભયજનક છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રથયાત્રાના રૂટ ઉપર આવેલા ભયજનક મકાનોને લઈને મનપા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ જે તે વોર્ડમાં આવેલા ભયનજક મકાનોને ઉતારી લેવા તથા જર્જરિત ભાગને દૂર કરવા તાકીદ કરવામાં અધિકારીઓએ નિર્દેશ કર્યો છે. દરિયાપુર વોર્ડમાં 84 મકાનો, જમાલપુર વોર્ડમાં દસ, શાહીબાગ વોર્ડમાં નવ અને શાહપુર વોર્ડમાં ચાર મકાનના ઉપયોગકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. મધ્યઝોન ઉપરાંત ઉત્તરઝોનમાં રથયાત્રાના પરંપરાગત રુટમાં આવતા સરસપુર સહિતના વિસ્તારોમાં ભયજનક મકાન અંગે તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી છે.