Site icon Revoi.in

અમદાવાદઃ ડ્રગ્સ મામલે NSUI નું યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન

Social Share

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ તથા અલગ અલગ એજન્સી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે, ત્યારે NSUI એ આજે ડ્રગ્સ મામલે વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે હાથમાં બેનર સાથે સૂત્રોચાર કરીને કાર્યકરો ચાલીને યુનિવર્સિટીના ગેટ પાસે આવ્યા હતાં. કાર્યકરોએ સૂત્રોચાર અને હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે રસ્તો બંધ કરી દીધો હતો. રોડ રસ્તો બંધ થતાં પોલીસ તાત્કાલીક પહોંચી હતી. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. વાહનોની અવરજવર માટે રોડ શરૂ કરાવી કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે ડ્રગ્સ મામલે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ડ્રગ્સ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિરોધ કર્યો હતો. હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે NSUIના કાર્યકરોએ રસ્તો રોકી વાહનની અવરજવર બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષમાં 40 હજાર કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. જેમ ઉડતા પંજાબ છે તેવી રીતે ઉડતા ગુજરાત થવા જઈ રહ્યું છે. યુવાઓ નશાના રવાડે ચઢી રહ્યા છે. ભાજપ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નિષ્ફળ ગયા છે. ડ્રગ્સ પકડવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ દ્વારા આવે છે તેને પોલીસ પકડી શકતી નથી. જેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી અમારી માગ છે.