અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે ઓલિમ્પિક સમાન આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ આકાર પામશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલનો શિલારોપણ કાર્યક્રમ તારીખ 29 મી મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેશે અને ચાવીરૂપ પ્રવચન આપશે.
આ સંકુલનું નિર્માણ 82,507 ચોરસ મીટર જમીન ક્ષેત્રફળમાં કરવામાં આવશે જે વરદાન ટાવરની પાછળના ભાગે આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લોટની પસંદગી એવી રીતે કરી છે કે આંતરરાષ્ટ્રીય રમતગમતના સ્થળ તરીકે યજમાની કરવા માટેના તમામ માપદંડો ખેલાડીઓ અને મુલાકાતીઓની ગતિશીલતા યોજનાના સંદર્ભમાં મેળ ખાય છે. આ રમતગમત સંકુલમાં સામુદાયિક રમતોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ શકે એમ છે જેથી તે વધુ વ્યવહારુ અને ઉપયોગી સંકુલ બની શકે. આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 631.77 કરોડ છે. AMC એ આ જમીનની ફાળવણી કરી છે. આ જમીનની વર્તમાન કિંમત અંદાજે 1200 કરોડ રૂપિયા છે. આથી આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ 1831.77 કરોડ રૂપિયા થશે.
આ પરિયોજના મુખ્યત્વે છ હિસ્સામાં વિભાજિત છે, આ સંકુલમાં પ્રથમ વખત FINA પાર્ટનર ટેકનોલોજી મિર્થા પૂલ્સને સમાવતા એક્વાટિક કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવશે. આમાં બે પૂલ રહેશે જેમાંથી એક સ્પર્ધાના કદનો સ્વિમિંગ પૂલ છે જેનો ઉપયોગ કલાત્મક તેમજ વોટર પોલો માટે થઇ શકશે તેમજ બીજો પૂલ અલગ ડાઇવિંગ માટે પણ છે, જેમાં કુલ 1500 વ્યક્તિઓની દર્શક ક્ષમતા રાખવામાં આવશે. બહુલક્ષી હોલ સાથેનું સામુદાયિક રમત કેન્દ્ર તૈયાર કરવામાં આવશે જેમાં 6 બેડમિંટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, 10 ટેબલ સ્નૂકર અને બિલિયર્ડ માટે રાખવામાં આવશે.
આઉટડોર પ્રેક્ષકોની સંખ્યા 300 વ્યક્તિની રહેશે. રમતગમત ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રમાં 42.00 મીટર X 24.00 મીટરના બે હોલ રહેશે જેમાં એક સાથે બાસ્કેટ બોલની 2 કોર્ટ, વોલિબોલની 2 કોર્ટ અથવા બેડમિંટનની 8 કોર્ટ તરીકે તેનો ઉપયોગ થઇ શકશે. આ કેન્દ્રમાં એક મલ્ટિ સ્પોર્ટ્સ હોલ પણ રહેશે જેમાં 4 ટેકવોન્ડો કોર્ટ અથવા 4 કબડ્ડી કોર્ટ અથવા 4 રેસલિંગ અથવા 12 ટેબલ ટેનિસની મેચ કોઇપણ સમયે થઇ થશે. તેમાં એક સ્પોર્ટ્સ વિજ્ઞાન અને ફિટનેસ કેન્દ્ર પણ રહેશે જેનાથી એથલેટ્સને શારીરિક મુદ્રાઓમાં વધારો અને સુધારો કરવામાં મદદ મળશે અને ખેલાડીઓ માટે ચેન્જ રૂમ અને લોકર, ઉપકરણો મૂકવા માટેના સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો અને વિડિયો સુવિધાઓ સાથે તાલીમ રૂમ, વ્યવસ્થાપન ઓફિસ સહિત લોન્જ રહેશે. આ કેન્દ્રમાં કોચ માટે 8 ડબલ ઓક્યૂપેન્સી રૂમ રહેશે અને 89 ત્રિપલ ઓક્યૂપેન્સી રૂમ રહેશે જ્યાં 300 સ્પોર્ટ્સ પર્સનને રહેવાની વ્યવસ્થા થઇ શકશે તેમજ 150 વ્યક્તિની ક્ષમતા સાથેનો ડાઇનિંગ હોલ પણ તૈયાર કરવામાં આવશે.
ઇન્ડોર મલ્ટિ સ્પોર્ટ અરેનામાં કોઇપણ સ્તંભ વગરનો 80 મીટર x 40 મીટર કદનો એક વિશાળ હોલ રહેશે જ્યાં ઓલિમ્પિક્સ સહિત બહુવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થઇ શકશે. તેમાં બેડમિંટનની 16 કોર્ટ અને બાસ્કેટ બોલની 4 કોર્ટ અને વોલિબોલની 4 કોર્ટ અને 4 જીમ્નાસ્ટિક મેટ્સની વ્યવસ્થા થઇ શકશે. તેમાં ટેકવોન્ડો, કબડ્ડી, રેસલિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતો માટે તાલીમ અને વોર્મઅપના ઉદ્દેશથી એક બહુલક્ષી હોલ પણ તૈયાર કરવામાં આવશે. તેમાં 5200 પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમાં વોર્મ અપ એરિયા, ખેલાડીઓ, જજ, કોચ, રેફરી અને વીઆઇપીઓ માટે લોન્જની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન માટેના રૂમ, પોડિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કૉલ રૂમ, મીડિયા માટેના રૂમ અને અન્ય ટેકનિકલ તેમજ પરિચાલન સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ફિટ ઇન્ડિયા ઝોનમાં વરિષ્ઠ નાગરિકોને બેસવા માટે એક સિટિંગ એરિયા પણ રહેશે જ્યાં યોગ માટે લોન, સ્કેટિંગ રિંગ સાથે પ્લાઝા, કબડ્ડી અને ખો-ખોનું મેદાન, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે ઝોન, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક અને એક્સક્લુઝિવ સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવશે જેથી આ ઝોનમાં સ્થાનિક લોકોને રમતગમત અને ફિટનેસની પ્રવૃત્તિઓમાં જોડી શકાય. આ રમતગમત સંકુલમાં આઉટડોર સુવિધા તરીકે 6 ટેનિક કોર્ટ, 1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલિબોલ કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. આ રમતગમત સુવિધામાં 800 ટુ-વ્હીલર અને 850 ફોર વ્હીલરનું પાર્કિંગ થઇ શકે તેવી પાર્કિંગ સુવિધા પણ તૈયાર કરવામાં આવશે.