- ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવાયો
- 10 હજારથી વધારે જવાનો સુરક્ષામાં તૈનાત
- જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ઉતરાયણના પર્વમાં જાહેરનામાના અમલ માટે પોલીસ દ્વારા ડ્રોનની મદદથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસે ઉત્તરાયણને લઈને બહાર પાડેલા જાહેરનામા અનુસાર સોસાયટી-ફ્લેટમાં બહારના લોકોને નહીં આપવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે ઉત્તરાયણને લઇને જાહેરનામું બહાર પાડીને એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. પોલીસ ડ્રોનની મદદથી ધાબા પર નજર રાખશે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 11 DCP, 21 ACP, 63 PI, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યાં છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા મનપા તંત્રની સાથે પોલીસ પણ એક્શનમાં આવી છે. આ ઉપરાંત રાતના 10 વાગ્યાથી સવારના 6 કલાક સુધી કરફ્યુનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. રાત્રિ કરફ્યુનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.