અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ફી અને અન્ય ખર્ચના કેટલાક વાલીઓને પોસાતા નથી. જેથી હવે વાલીઓ પોતાના સંતાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં મુકી રહ્યાં છે. બીજી તરફ મનપા દ્વારા પણ આ સ્કૂલોમાં એજ્યુકેશનના સ્તરમાં સતત સુધારો કરી રહી છે. મનપા સંચાલિક શાળાઓમાં પણ હવે સ્માર્ટબોર્ડથી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. જેથી હવે વાલીઓ પણ પોતાના સંતાનોને મનપા સંચાલિત સ્કૂલમાં અભ્યાસ માટે મુકવા આગળ આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં માત્ર 10 દિવસમાં જ 17 હજાર વિદ્યાર્થીઓએ મનપા સંચાલિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. હજુ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા લાઈનો લગાવી રહ્યા હોવાને લીધે ચાલુ વર્ષે ૨૫ હજાર જેટલા વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તેવી ધારણા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ માટે વેઈટિંગ લિસ્ટ પણ જોવા મળે છે મ્યુનિસિપલ સ્કૂલોમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ ધારાસભ્યો અને કાઉન્સિલરોના ભલામણપત્રો લઈને આવે છે. મનપા સંચાલિત સ્કૂલોમાં શિક્ષણના સ્તરમાં થઈ રહેલા સતત વધારાને પગલે ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. ધો-11માં 1500 જેટલા વિદ્યાર્થીઓએ દસ દિવસમાં પ્રવેશ લીધો છે. શહેરના વટવા, ઓઢવ,વસ્ત્રાલ, રામોલ- હાથીજણ, નિકોલ, બાપુનગર, ચાંદખેડા, મોટેરા, જમાલપુર, શીલજ, વેજલપુર, વગેરે વિસ્તારોમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા આપવામાં આવતું ગુણવત્તાસભર શિક્ષણ, સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ, વિનામૂલ્યે પુસ્તકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્યુટર લેબોરેટરી, સાયન્સ લેબોરેટરી, વિશાળ પ્લે ગ્રાઉન્ડ, મધ્યાન્હ ભોજન યોજના, વગેરે જેવા કારણોને પરિણામે મ્યુનિસિપલ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા અને પોતાના બાળકોને ભણાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ગત ડિસેમ્બરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે ઘેર- ઘેર સર્વે કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ચાલુ વર્ષે નવું સત્ર શરૂ થયું એટલે વાલીઓ સામેથી બાળકોને પ્રવેશ અપાવવા આવી રહ્યા છે.