અમદાવાદઃ ખોટી આવક દર્શાવીને RTE હેઠળ સ્કૂલમાં સંતાનનું એડમિશન લેવુ વાલીને પડ્યું ભારે
અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ કરવામાં આવે છે. જો કે, કેટલાક માલેતુજારો ખાનગી સ્કૂલની ઊંચી ફીના ભરવી પડે તે માટે આવકના ખોટા દાખલા ઉભા કરીને સંતાનોના એડમીશન લેતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન અમદાવાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં આવકનો ખોટો દાખલો તૈયાર કરીને સંતાનનું એડમીશન લેનાર વાલી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. વાલીએ સંતાનનું આરટીઆઈ હેઠળ એડમિશન લેવા માટે રૂ. દોઢ લાખનો આવકનો દાખલો બનાવડાવ્યો હતો. જો કે, વાર્ષિક રૂ. 4 લાખનું આઈટી રિર્ટન ફાઈલ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિક ગજ્જર નામના વાલીએ આરટીઆઈ હેઠળ દીકરીનું નજીકમાં આવેલી ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાર્ષિક દોઢ લાખની આવકનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. ખોટી આવક દર્શાવીને વાલીએ પોતાના સંતાનનું સેટેલાઈટમાં આવેલી જાણીતી સ્કૂલમાં એડમિશન લીધું હતું. જો કે, તેમણે રૂ. 4 લાખની વાર્ષિક આવકનું આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું. આવકના દાખવાની રકમ તથા આઈટી રિટર્નની રકમમાં મોટો તફાવત સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ઈન્દુબેન ચાવડાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રતિક ગજ્જર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.