Site icon Revoi.in

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 52 કુંડમાં થશે વિસર્જન

Social Share

અમદાવાદઃ શહેરમાં ગણેશ વિસર્જનને લઇ શહેર પોલીસે તૈયારીઓ પુરી કરી દીધી છે. આવતીકાલે રવિવારે વિસર્જન હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં 13 ડીસીપી, 70 પીઆઇ, 265 PSI, 5700 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ SRPની ત્રણ ટુકડી રહેશે. RAFની બે ટુકડી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત  3700 હોમગાર્ડને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવશે.

અમદાવાદમાં ગણેશજીના સ્થાપનના 10માં દિવસે એટલે આવતી કાલે રવિવારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા 52 વિસર્જન કુંડ પર લાઈટ અને મજબૂત બેરીકેડ તેમજ ધક્કામુક્કી ન થાય ઉપરાંત પાણીમાં ઉતરવાની ઘટના ન બને તેનું પોલીસ તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી વિસર્જન કરવામાં આવે. 15 જેટલાં લોકો વિસર્જનમાં જોડાય તેની પરમિશન આપવામાં આવી છે જેને લઇ લોકો તેટલી સંખ્યામાં જ આવે તે જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં 740 જગ્યાએ જાહેરમાં પંડાલ ઉભા કરવામાં આવ્યા હતા. 180 જેટલા ગણેશ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવશે. બાકીના ગણેશ વિસર્જન જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં જ વિસર્જન કરવામાં આવ્યા છે. લોકોને અપીલ છે કે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિસર્જન કરે. તમામ પોલીસને પણ આ મામલે જાણકારી આપી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

(PHOTO-FILE)