અમદાવાદઃ શહેરમાં છેલ્લા દિવસોથી ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પોલીસે ગુનાખોરીને અટકાવવા માટે સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગમાં વધારો કર્યો છે. દરમિયાન શહેર પોલીસ લાંબા સમયગાળા બાદ રાત્રિના સમયે શહેરના સરસપુર વિસ્તારમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કોમ્બિંગ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ સરસપુરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરીને 60 જેટલા અસામાજીક તત્વોને ઝડપી લીધા હતા. તેમજ મારક હથિયારો પણ જપ્ત કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરસપુર અને આસપાસના વિસ્તારોમાં અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર અવારનવાર હુમલાના બનાવો બને છે. તેમજ અસમાજીક તત્વોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેથી અસમાજીક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીની આગેવાનીમાં સરસપુર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 2 ACP, 2 PI , 25 PSI તથા 275 જેટલા પોલીસ કોન્સ્ટેબલે રાતના અલગ-અલગ ચાલીઓમાં કોમ્બિંગ કર્યું હતું. પોલીસે પોટલિયા ચાર રસ્તા વિસ્તાર નજીકની ગલા રઘાની ચાલી, સેવન્તીલાલની ચાલી, ધાબાવાળી ચાલી, મણીલાલ કડિયાની ચાલી, બાપાલાલ કડિયાની ચાલી, મનુજી ગોબરજીની ચાલી ઉપરાંત ત્રિકમલાલની ચાલી, જજસાહેબની ચાલી, સુલેમાન રોજાની ચાલી, રમણ ડાહ્યાની ચાલી, રામલાલની ચાલી, અબ્દુલ શેઠની ચાલી અને બાઈ લલિતાની ચાલીમાં તપાસ કરવામાં આવી હતી.
પોલીસે કોમ્બિંગ દરમિયાન 60 જેટલા માથાભારે શખ્સોને હથિયારો સાથે ઝડપી લીધા હતા. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કોમ્બિંગની કામગીરીને પગલે અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.