Site icon Revoi.in

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વયનિવૃત થતા શાનદારરીતે વિદાય અપાઈ

Social Share

અમદાવાદઃ  અમદાવાદના શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થતાં તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર  રહ્યા હતા. પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સંજય શ્રીવાસ્તવને સન્માન અપાયું હતું. તેમના પર ફૂલોનો વરસાદ કરાયો હતો.

પોલીસ કમિશનરપદેથી વિદાય લઈ રહેલા સંજય શ્રીવાસ્તવ નિવૃતી ટાણે ભાવ વિભોર બની ગયા હતા, તેમણે પોતાના વિભાગના તમામ પોલીસ કર્માચારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, પહેલી વખત આવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમનો આભારી રહીશ. હું એન્જિનિયર હતો અને પોલીસ ગ્રાઉન્ડથી પોલીસમેન બનેલો માટે આ ગ્રાઉન્ડ મારા માટે પાવનભૂમિ છે. હું પોલીસ યુનિફોર્મથી સિવિલ ડ્રેસમાં આવી જઇશ. પહેલાનું પોલીસિંગ અલગ હતું હવે સ્થિતિ બદલાઈ છે. રમખાણોના સમયમાં ઘર હોવા છતાં ઘરે નોહતા જઈ શકતા, રેન્ક ભૂલીને સાથે કામ કરતા હતા. 2002 પછી તમામ વર્ગોને ખ્યાલ આવી ગયો છે. કે, રમખાણોથી પરિવારોને નુકસાન જ થાય છે. હવેના પોલીસકર્મીઓને આ અનુભવ નહિ થાય અમે પણ નવી જનરેશન અને સમાજ પ્રમાણે બદલાયા છીએ, હવે ચેલેન્જ અલગ છે. પોલીસ ફોર્સ નહિ પણ લોક સેવા માટેની સંસ્થા હોવાનું માની પ્રજાને સમજવી જોઈએ.

શ્રીવાસ્તવે પોતાની કામગીરીના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, લોકો સાથે સારો વ્યવહાર કરવો એ અકાદમીએ શીખવ્યું છે. હું અમદાવાદ આવ્યો ત્યારે ખૂબ જ રમખાણો થતાં હતા. અમદાવાદમાં જ મારું ઘર હોવા છતાં હું ઘરે જઈ શકતો ન હતો. એક ચોકીમાં એક પલંગ હતો, જેમાં વારા ફરતી બધા ઉંઘતા હતા. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ એક મોટો ચેલેન્જ છે. સાયબર ક્રાઈમ એક મોટી તકલીફ છે, જે ભવિષ્યમાં પણ મુશ્કેલી સર્જશે. આ સાથે જ ટ્રાફિક પણ એક મોટો પડકાર છે. એક ઘરમાં 2/3 ગાડીઓ થઈ ગઈ છે, જેના લીધે પણ ટ્રાફિકની સમસ્યા વધી છે. આ બાબતે પણ પોલીસ ખરેખર મહેનત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીરસિંહને અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં પ્રેમવીરસિંહ અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે.