અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત થયાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ 43 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 300થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવી રહ્યાં છે. કોરોનાની ઝપટે અનેક મહાનુભાવો પણ સપડાઈ રહ્યાં છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે રાત્રિ કરફ્યુ સહિતની કામગીરી કરતી પોલીસ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 300 જેટલા પોલીસ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કર્મચારીઓ કોરનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ બીમારીથી પીડિતા વધુ ઉંમરના પોલીસ અધિકારી-કર્મચારીઓને ઘરની નજીકના જ પોલીસ સ્ટેશનમાં નોકરી ફાળવવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન અમદાવદ સિવિલમાં 20 ડોક્ટરો સહિત કુલ 35 કોરોના વોરિયર્સ સંક્રમિત થયાં છે. જેથી તકેદારીના ભાગરૂપે એકબીજાના સંપર્કમાં આવનાર સ્ટાફને કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે તાકિદ કરી છે.
(Photo-File)