Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ શરૂ કરી ડ્રાઈવ

Social Share

અમદાવાદ, શહેરમાં મોટાભાગના બાઈક કે સ્કૂટર પર જતા વાહનચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. પોલીસ કેમ પગલાં લેતી નથી એવી ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. અને છેલ્લા ત્રણ દિવસથી હેલ્મેટના કાયદા નું કડક પાલન કરાવવાનું અભિયાન આદર્યું છે. શહેરમાં ટ્રાફિક પોલીસે ત્રણ દિવસમાં 9 હજાર કેસ કરીને રૂપિયા 53 લાખનો દંડ વસુલ્યો છે. હવે કાલે સોમવારથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા દ્વિચક્રી વાહનચાલકો સામે સખત પગલા ભરાશે. પોલીસે શહેરમાં કેટલાક ટ્રાફિક પોઈન્ટ પણ નક્કી કર્યા છે. અને સવારે 9 વાગ્યાથી ઝૂંબેશ શરૂ કરીને હેલ્મેટ ભંગ કરનારા સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને લીધે ગુજરાત હાઇકોર્ટ હેલ્મેટના કાયદાનું ફરજિયાત અમલ કરાવવાનો નિર્દેશ કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કામે લાગી છે. સમગ્ર શહેરમાં ત્રણ દિવસની ડ્રાઇવ દરમિયાન નવ હજાર જેટલા કેસ નોંધીને ૫૩ લાખનો દડ વસુલ્યો છે.  જેમાં 6500 જેટલા કેસ માત્ર હેલ્મેટ નહી પહેરનારાઓ સામે નોંધાયા છે.  જ્યારે સમગ્ર શહેરના સૌથી વધુ કેસ 2100 કેસ એસ જી હાઇવે પર નોંધાયા છે. કોર્ટની ટકોર બાદ હવે પોલીસ આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે

ગુજરાત હાઇકોર્ટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો યોગ્ય અમલ થતો ન હોવાથી રાજ્ય સરકારને ટકોર કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહી પહેરનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં  તારીખ 2જી ઓક્ટોબરથી 4થી ઓક્ટોબરની ડ્રાઇવ દરમિયાન પોલીસે 9094  કેસ નોંધીને 53.10 લાખનો દંડ વસુલ્યો છે. જેમાં 32.77  લાખ રૂપિયાનો દંડ  હેલ્મેટ નહી  પહેરનારા 6654  વાહનચાલકો  પાસેથી વસુલાયો છે.

આ ઉપરાંત, રોંગ સાઇડમાં વાહન ચલાવવાના  449 કેસ નોંધીને 8.52  લાખ,  વાહન ટોઇંગ કરવા પેટે 9.19 લાખ, ફેન્સી નંબર પ્લેટના 121 કેસ કેસ નોંધ્યા છે. પોલીસે  સૌથી વધુ કેસ 2102 કેસ એસ જી હાઇવે પર નોંધ્યા છે. જેમાં એસ જી હાઇવે-1 અને એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ યથાવત રાખવા માટે સુચના આપી છે. જેમાં હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઇવનો વધુ અમલ કરવાનો આદેશ અપાયો છે.