અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે હવે કોંગ્રેસે મનપાના શાસકો સામે મોરચો માંડ્યો છે. મનપાના કોંગ્રેસના કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર સહિતના નેતાઓ અને કાર્યકરો ગાંધીનગર ગયા હતા. અહીં તેમણે તકેદારી આયોગ સમક્ષ હાટકેશ્વર બ્રિજ મુદ્દે રજૂઆત કરી હતી. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં સામેલ કોન્ટ્રાક્ટર, કન્સલટન્ટ, થર્ડ પાર્ટી સુપરવિઝન કરનાર તેમજ જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માગ કરી છે, સાથે જ બ્રિજના નિર્માણની ન્યાયી અને તટસ્થ તપાસ કરવાની પણ રજૂઆત કરી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમ છતાં શાસકો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. જે ત્રણ સભ્યોની કમિટી બનાવાઇ છે તે પણ શંકાના દાયરામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મામલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે, તેમજ તંત્રએ ઢાંકપીછાડો કરવા માટે ત્રણ કમિટી બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટ3ચારના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.