Site icon Revoi.in

અમદાવાદ ચૂંટણીઃ વસ્ત્રાપુરમાં EVMમાં ગરબડીનો આક્ષેપ, વિરોધ પક્ષના નેતાનો વોટ કરતો વિડીયો થયો વાયરલ

Social Share

અમદાવાદઃ આજે સવારથી જ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું હતું. દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરિયાદો ઉઠી હતી. તેમજ કેટલીક જગ્યાએ ઉમેદવારોના સમર્થકો વચ્ચે ચકમક ઝરી હોવાની પણ ઘટના સામે આવી છે. દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમમાં ગરબડીનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતાએ મતદાન કર્યું હતું. તેમનો વોટ આપતો વીડિયો વાયરલ થયો હોવાની અચકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં અમરાઈવાડી વિસ્તારમાં ભાજપે ડમી EVM રાખીને લોકોને મત કરવાનું સમજાવતો વાયરલ થયો હતો. મતદાનને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ ગરબડીની શંકા વ્યકત કરી છે. આ ઉપરાંત મેઘાણીનગરમાં મતદાન બુથ પાસે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. દરમિયાન પાલડીમાં આવેલી હેમરાજ સ્કૂલમાં EVM ખોટવાયું છે. જેથી મતદાન બંધ કરીને નવા ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક મતદાન મથક બદલવામાં આવતા મતદારો મુશ્કેલીમાં મુકાયાં હતા.

દરમિયાન અમદાવાદની સરકારી શાળામાં દિવ્યાંગ દંપતીએ મતદાન કરી ફરજ અદા કરી છે. મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાથી દિવ્યાંગ દંપતીએ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ મતદાન કર્યું હતું. તેમનો વોટ આપતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ અમરાઈવાડી વિસ્તારમાં એક સ્કૂલ પાસે ભાજપ દ્વારા ડમી ઈવીએમ સાથે મતદારોને સમજાવવામાં આવતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.