અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂબેશ, ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતા 48281 પ્રવાસીઓ પકડાયાં
અમદાવાદઃ ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતાં પ્રવાસીઓને પકડવા માટે પશ્વિમ રેલવે દ્વારા નવેમ્બર મહિના દરમિયાન અભિયાન આદરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા એક મહિનામાં 48281 મુસાફરોને પકડીને દંડ પેટે રૂપિયા 19 કરોડની વસુલાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનમાં ટિકિટ વગર કે અનઓથોરાઈઝ્ડ વેન્ડર પાસેથી અમાન્ય ટિકિટના મુસાફરોને ઝડપી પાડવા અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગે ટ્રેનોમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરી નવેમ્બરમાં અમદાવાદ સ્ટેશન અને અન્ય સ્ટેશનો પર હાથ ધરેલા ચેકિંગમાં 48281 લોકો ટિકિટ વગર કે ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતાં પકડાતાં, તેમની પાસેથી દંડ પેટે 3.19 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
ટ્રેનમાં રિઝર્વેશન વગર મુસાફરી પર પ્રતિબંધ હોવા છતાં દિવાળી અને છઠ પૂજામાં સામેલ થવા મોટી સંખ્યામાં વતન જતાં લોકો ઈ-ટિકિટ સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા, પરંતુ કન્ફર્મ ટિકિટ વગરના પેસેન્જરોને પાસેથી દંડ વસૂલ્યો હતો. એજ રીતે અનેક પેસેન્જરો વેઈટિંગ ટિકિટ લઈ ટ્રેનમાં પ્રવાસ કરતાં હતા, તેવાં પેસેન્જરો પાસેથી દંડ વસૂલ કરી તેમને મુસાફરી કરવા દેવાઇ હતી. એજ રીતે કેટલાક પેસેન્જરો સિનિયર સિટીઝન કે અન્ય ક્વોટામાં ખોટી રીતે ટિકિટ લઈ મુસાફરી કરતા તેમને પણ દંડ કર્યો હતો. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા અવાર-નવાર ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. જેમાં તહેવારો દરમિયાન વધુ લોકો ગેરકાયદે મુસાફરી કરતા પકડાતા હોય છે. ઘણા એજન્ટો પણ પ્રવાસીઓને સિનિયર સિટીઝનનો ક્વોટામાંથી બુકિંગ મેળવીને અન્ય પ્રવાસીઓને ટિકિટ પધરાવી દેતા હોય છે.