Site icon Revoi.in

અમદાવાદના રેલવે સ્ટેશનને 4000 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે, કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા આદેશ

Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવા આવશે. ત્યારે આ કામ નિર્ધારિત 5 વર્ષના સમયમાં પૂર્ણ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક રેલવે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે રેલવે મંત્રીએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સાથે મળી સંકલન સમિતિ બનાવવા અને દર મહિને બેઠક કરી તમામ સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવા પણ સૂચના આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં અમદાવાદ સહિત અન્ય કેટલાંક સ્ટેશનોને રિડેવલપ કરી પેસેન્જરોને વધુ ને વધુ સુવિધા આપવા રેલવે દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવાની કામગીરી રેલવે લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (આરએલડીસી)ને સોંપવામાં આવી છે. જેમણે સ્ટેશન ડેવપલમેન્ટ માટે પ્લાન તૈયાર કરવાની સાથે તાજેતરમાં રેલવે અને સ્થાનિક સત્તાતંત્ર સાથે પણ મંત્રણા પણ કરી હતી.

તાજેતરમાં જ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લેનારા રેલવે મંત્રીએ આ પ્લાનનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરી ઝડપથી શરૂ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રિડેવલપમેન્ટ માટે ફંડની સમસ્યા નથી, ત્યારે કામગીરી ઝડપથી પાંચ વર્ષમાં જ પૂર્ણ કરો, જેથી લોકોને સુવિધાઓ મળી રહે. અત્રે ઉલ્લેખનિય છે. કે,  અમદાવાદ રેલવે સ્ટેશન ડેવલપ કરી ત્યાં પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે ગાર્ડન, હોટેલ, મોલ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યના અન્ય રેલવે સ્ટેશનોને પણ રિડેવલોપ કરવામાં આવશે.