અમદાવાદઃ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળશે. જેના માટે મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારીઓની સાથે સાથે વહીવટી વિભાગ અને પોલીસ અધિકારીઓએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરુપે પોલીસ કાફલાએ રથયાત્રાના રુટ પર સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે ખાસ ચેકીંગ અને કોમ્બિંગ કર્યુ હતુ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પરંપરાગત રીતે વર્ષોથી આયોજન થાય છે. આ વખતે સાત જુલાઈના રોજ રથયાત્રા આયોજીત થવા જઈ રહી છે ત્યારે રથયાત્રાના સમગ્ર રુટ પર સુરક્ષા વ્યવસ્થા સંદર્ભમાં અમદાવાદ પોલીસે અત્યારથી જ ચેકીંગ શરુ કરી દીધુ છે. આ વખતે પહેલીવાર રથયાત્રાના સમગ્ર રુટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વખતે સમગ્ર રથયાત્રાનું 1500થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ વખતે પ્રથમ વાર ટેથરિંગ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ તૈયારીઓને ધ્યાનમાં રાખીને હાલમાં સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ રથયાત્રાના સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોનના ઉપયોગથી રથયાત્રાના રુટ પર રહેલા મકાનોની છત પર ખાસ નજર રાખવામાં આવશે. જેથી મકાનોની છત પર કોઈ વાંધાજનક સાધનો કે વસ્તુઓ છુપાવેલી હશે તો પોલીસની નજરમાં આવી જશે.
રથયાત્રાના રુટ પર કેટલાક ભયજનક મકાનો પણ આવેલા છે. આ તમામ મકાનોના સમારકામ સંદર્ભમાં પણ નોટિસો પાઠવી દેવામાં આવી છે જેથી રથયાત્રા દરમિયાન યાત્રામાં જોડાનારા ભક્તો તેમજ અખાડાના યુવાનો સહિતના લોકો પર જોખમ ન રહે.