અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પુરા સ્ટાફ સાથે કાર્યરત બની ગઈ છે, ઉપરાંત ખાનગી કચેરીઓ અને ઓફિસોમાં પણ કામકાજ રાબેતા મુજબ બની ગયું છે. પરંતુ કેટલીક કંપનીઓએ હજુ વર્ક ફ્રોમ હોમ એટલે કે, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. ઘરેથી કામ કરવાના વધતા ચલણને કારણે અમદાવાદની ઓફિસોના ભાડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાની શરુઆત થઈ છે ત્યારથી શહેરના સરેરાશ ઓફિસ ભાડામાં 5 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ક્ષેત્રના સ્ટેકહોલ્ડર્સના મત અનુસાર, ભાડામાં ઘટાડો ઓફિસની સાઈઝ, સ્થળ અને તે જગ્યાના માલિક પર પણ આધારિત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 500થી 2000 સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવતી ઓફિસોના ભાડામાં 25થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 2000 સ્ક્વેર ફૂટથી મોટી પ્રોપર્ટીમાં 5થી 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ રિઅલ્ટર્સ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, ભાડૂતો નાની ઓફિસોનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે, કો-વર્કિંગ સ્પેસની માંગ પણ ઓછી છે, આ કારણોસર ઓફિસના ભાડામાં ઘટાડો નોંધાયો છે. શહેરના બ્રોકરોના કહેવા મુજબ સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઘણી ઓછી છે, કોરોનાને કારણે લોકોની આવક પ્રભાવિત થઈ છે માટે વેપારનું વાતાવરણ પણ નિરાશાજનક છે, જેના કારણે ઓફિસોનાં ભાડાં પ્રભાવિત થયા છે. આ સિવાય કોરોના વાયરસના સંક્રમણનો ભય રહે છે અને લોકો રિમોટ વર્કિંગ કલ્ચરની અસરકારકતા જોઈને તે પદ્ધતિ અપનાવી રહ્યા છે.
- કોરોનાને કારણે માગમાં ઘટાડો થતા ભાડુ ઘટ્યું
શહેરના એક રિયલ એસ્ટેટ સલાહકારના કહેવા મુજબ કોરોનાની શરુઆતમાં માંગમાં ઘટાડો થવાને કારણે રેન્ટમાં પણ ઘટાડો નોંધાયો. ઘણાં બધા ભાડૂતોએ ઘરેથી કામ કરતાં હોવાને કારણે ઓફિસો ખાલી કરી હતી. જો કે કોરોના પહેલા પણ વિવિધ કારણોસર ભાડાં પ્રભાવિત થયા જ હતા. જેમ કે માંગની સરખામણીમાં સપ્લાય વધારે હતો તેમજ ગ્રાહકને પોસાય તેવા વિસ્તારોમાં પણ ઓફિસ સ્પેસની ઉપલબ્ધતા હતી. અને પછી કોરોના અને વર્ક ફ્રોમ હોમને કારણે પ્રેશર વધી ગયું.
- ઓફિસોના ભાડામાં 5.5 ટકા જેટલો ઘટાડો
જાન્યુઆરી અને માર્ચ દરમિયાન 2000 સ્ક્વેર ફૂટ કરતાં વધારે જગ્યા ધરાવતી ઓફિસોના ભાડામાં 5.5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો મુખ્યત્વે બોડકદેવ, કેશવ બાગ, પ્રહલાદ નગર, સેટેલાઈટ, એસજી હાઈવે અને થલતેજમાં જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ બ્રોકર્સના જણાવ્યા અનુસાર, આશ્રમ રોડથી એસજી હાઈવે સુધીના વિસ્તારમાં માસિક ભાડામાં સરેરાશ 40-35 રુપિયા પ્રતિ સ્ક્વેર ફીટથી 35-30 પ્રતિ સ્ક્વેર ફીટનો ઘટાડો જોવા મળ્યો છે.