Site icon Revoi.in

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે બાળકોમાં અછબડાના કેસમાં વધારો જોવા મળ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભે બાળકોમાં અછબડાંના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ તો  સામાન્ય રીતે દર વર્ષે ઉનાળામાં બાળકોમાં અછબડાં વધારે જોવા મળતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં આકરો તાપ પડી રહ્યો છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે અછબડાના કેસ વધી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઉનાળાની હજી શરૂઆત છે,  ત્યાં જ ઉષ્ણાતામાનમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બધાની વચ્ચે અછબડા જેવા ચેપી રોગના કેસોમાં વધારો થયો છે. જમાલપુર-બહેરામપુરા સ્થિત મ્યુનિસિપલ ચેપી રોગની હોસ્પિટલમાં હાલ અછબડાના પાંચ દર્દી દાખલ થયા છે અને સાતથી આઠ દર્દી રોજ ઓડીપીમાં સારવાર લઈ રહ્યા છે. દર વર્ષે હોળી બાદ અછબડાના કેસો વધતા હોય છે, ત્યારે આ વખતે પણ તેમ થશે તેવું ડોક્ટરોને લાગી રહ્યું છે. દર વર્ષે અછબડાના કુલ 1800થી 2 હજાર કેસ નોંધાતા હોય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અછબડા એ તેવો રોગ છે જે હવાથી અને એકબીજાના સ્પર્શથી ફેલાય છે. જેમ ગરમી વધે તેમ તેના કેસ પણ વધે છે. ચેપી રોગની હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે હોળી બાદ ગરમીનો પારો જેમ વધે તેમ અછબડાના કેસમાં પણ વધારો જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે અછબડાના કેસના ચોક્કસ આંકડા સામે આવ્યા નથી. તેનું અન્ય કારણ એ પણ હતું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે ચેપી રોગની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. પરંતુ આ વખતે કોવિડ કેસ ઘટી જતાં ફરીથી હોસ્પિટલ ચેપી રોગની હોસ્પિટલ તરીકે કાર્યરત થઈ છે’.

જમાલપુર-બહેરામપુરા સ્થિત મ્યુનિસિપલ ચેપી રોગની હોસ્પિટલમાં માત્ર અછબડા જ નહીં પરંતુ અન્ય પાણીજન્ય રોના દર્દીઓની સારવાર માટે પણ સઘન વ્યવસ્થા કરાઈ છે. સામાન્ય રીતે, બાળકોમાં અછબડા વધારે જોવા મળે છે. પરંતુ એક જ ઘરમાં મોટો પરિવાર રહેતો હોય તેવી સ્થિતિમાં મોટી ઉંમરના લોકોમાં પણ ઘણીવાર અછબડા જોવા મળે છે. પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે, તે કોઈ ચિંતાજનક વાત નથી. હાલ ચેપીરોગની હોસ્પિટલમાં અછબડાના પાંચ, ઝાડા-ઊલટીના પાંચ, કમળાના ત્રણ અને ટાઈફોઈડના એક દર્દીની સારવાર ચાલી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)