અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર માર્ગમાં નવ યુવાનોના મોત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ જાહેર માર્ગો ઉપર સ્ટંટ કરનારા, રેસ કરનાર તથા ઓવરસ્પીડમાં વાહન હંકારનાર વાહન ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સ્ટંટ અને રેસ લગાવનાર વાહન ચાલકોના પ્રિય છ માર્ગોની પોલીસે ઓળખ કરી છે. હવે આ માર્ગો ઉપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકનારા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, નરોડા-નારોલ રોડ, ગુજરાત યુનિવર્સિટી રોડ, સિંધુ ભવન રોડ અને શાંતિપુરાથી બોપલ સુધીના રોડનો ઉપયોગ મોડી રાતના સમયે વાહન ચાલકો સ્ટંટબાજી કરવા અને રેસીંગ માટે કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે છ માર્ગો ઓળખ્યા બાદ હવે આવા વાહન ચાલકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની 12થી 15 ટીમો રોજ રાત્રે આ વિસ્તારોમાં સ્પીડગન તેમજ ઈન્ટરસેપ્ટર વાનની મદદથી ઓવરસ્પીડના કેસો કરશે. તેમજ રેસ-સ્ટંટ કરતા નબીરાઓ સામે કાર્યવાહી કરશે. પોલીસે ઓળખી પાડેલા આ છ માર્ગો ઉપર એક મહિનાના સમયગાળામાં અકસ્માતના 335 જેટલા બનાવો બન્યાં છે. જેમાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓવરસ્પીડ વાહન હંકારનાર ચાલકોને ઝડપી લેવા માટે બે નાઈટ ઈન્ટરેસેપ્ટની મદદ લેવાની સાથે મોબાઈલ વાન હાઈવે પર સતત પેટ્રોલીંગ કરશે. એટલું જ નહીં જે સ્થળ પર કેમેરા લગાવવામાં આવ્યાં નથી હંગામી ધોરણે કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે.