અમદાવાદઃ કેટલીક ખાનગી સ્કૂલોએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન વર્ગો બંધ કર્યાં
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેટલીક ખાનગી સ્કૂલોએ ધો-1થી 8ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરવામાં આવ્યાં છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવતા વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરની કેટલીક સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. એટલું જ નહીં કેટલાક શિક્ષકોને પણ કોરોનો ચેપ લાગ્યો છે. હાલ રાજ્યની સ્કૂલોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો ચાલી રહ્યાં છે. બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં વાલીઓ પણ સ્કૂલોમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલોએ ધો-1થી 8ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્કૂલ દ્વારા પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ ઓનલાઈન એજ્યુકેશન અંગે જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતિને ધ્યાનમાં રાખીને સ્કૂલ સંચાલકોએ આ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં કોરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલ સંચાલકોએ નિર્ણય લેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે.