Site icon Revoi.in

અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના બનાવમાં વધારો, એક વર્ષમાં 58000 લોકોને બચકા ભર્યા

Social Share

અમદાવાદ: શહેરમાં પણ હવે રખડતા કૂતરાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કહેવાય છે. કે ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોવાથી યોગ્ય કામગારી થાય છે કે કેમ તેની કોઈ તકેદારી રખાતી નથી. તેને લીધે કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરાઓ વહેલી સવારે કે રાત્રે વાહનોની પાછળ દોડતાં હોય છે અને તેના કારણે વાહનચાલકને ઈજા થઈ હોય કે અકસ્માત થયો હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. વળી, રાહદારીઓને કે ગલીમાં રમતા બાળકોને કૂતરાઓએ બચકા ભર્યા હોય તેવા પણ કેટલાય બનાવો બની ચૂક્યા છે. અમદાવાદમાં 2022માં કૂતરાએ બચકા ભર્યાના 58,668 કેસ નોંધાયા છે. 2021માં નોંધાયેલા આંકડા કરતા 7,457 કેસ વધારે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેટા પ્રમાણે, કૂતરાઓના બચકા ભરવાના સૌથી વધારે કેસ ડિસેમ્બર 2022માં નોંધાયા હતા. હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં 5,880 લોકોને કૂતરાઓએ બચકા ભર્યાના કેસ નોંધાયા હતા.  2020-21માં લોકડાઉનના કારણે અગાઉના વર્ષોની સરખામણીમાં કૂતરાઓએ બચકા ભર્યા હોવાના કેસ ઘટ્યા હતા. ડેટા પ્રમાણે, 2019માં અમદાવાદની હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં 65,881 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા. 2020માં આ આંકડો ઘટીને 51,244 થયો હતો જ્યારે 2021માં 50,668 કેસ નોંધાયા હતા. “કૂતરાના બચકા ભરવાના કેસ તો વધ્યા જ હતા પરંતુ અગાઉના બે વર્ષોની સરખામણીમાં 2022 સામાન્ય વર્ષ ગણી શકાય. જોકે 2022નો આંકડો 2019ની સરખામણીએ તો ઓછો જ છે”, તેમ મ્યુનિના અધિકારીનું કહેવું હતું.

સૂત્રોના કહેવા મુજબ  કૂતરાઓને બચકા ભરવાના સૌથી વધુ કેસ દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વધારે નોંધાય છે કારણકે આ સીઝનમાં માદા શ્વાન ગલુડિયાઓને જન્મ આપે છે અને પોતાના બચ્ચાઓ માટે તેઓ વધુ સજાગ થઈ જાય છે.