Site icon Revoi.in

અમદાવાદઃ કીડની બ્લોકેજથી પીડિત 6 માસના બાળકની સફળ સર્જરી

Social Share

અમદાવાદઃ કચ્છના નાના ગામના શ્રમજીવી પરિવારના છ મહિનાના દીકરાને કિડની બ્લોકેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. PMJAY આયુષ્માન કાર્ડ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.

કચ્છના સરહદી જિલ્લા (ભુજ)ના મુન્દ્રા તાલુકાના નાના ગામ કુંદરોડીમાં એક ખાનગી કંપનીમાં રોજીંદા કામ કરતા દિનેશભાઈ ભોયાને ગ્રામ્ય હોસ્પિટલના રિપોર્ટના આધારે સોનોગ્રાફી કર્યા બાદ જાણવા મળ્યું કે તેમના પુત્ર આર્યનને તેની એક કિડનીમાં બ્લોકેજ છે. તેથી તેઓ મુન્દ્રા તાલુકા હેલ્થ સેન્ટર ગયા હતા, જ્યાં નેશનલ ચાઈલ્ડ હેલ્થ પ્રોગ્રામ (RBSK) હેઠળ કામ કરતા ડૉ. સંજય યોગી અને ડૉ. કાવેરી મહેતાએ આર્યન માટે તૈયાર કરેલું PMJAY આયુષ્માન કાર્ડ મેળવ્યું અને તેને ઑપરેશન માટે અમદાવાદની હોસ્પિટલમાં મોકલ્યા હતા. આજે 6 માસનો આર્યન સ્વસ્થ છે.

આર્યનના પિતા દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY આયુષ્માન કાર્ડ હેઠળ કિડની અને પેશાબની નળીઓમાં PUG ઓપરેશનની સારવાર વિનામૂલ્યે શક્ય બની છે. સરહદી કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મારા પરિવારમાં, આ બાળકની મેટ્રો સિટી અમદાવાદમાં આયુષ્માન કાર્ડથી સારવાર કરવામાં આવી અને તેની શારીરિક સમસ્યા ઠીક થઈ ગઈ. આજે અમારું બાળક સ્વસ્થ છે. અમારો પરિવાર અમારા 6 મહિનાના બાળકની બીમારીને લઈને ચિંતિત હતો પરંતુ PMJAY આયુષ્માન કાર્ડે અમારી ચિંતાઓ દૂર કરી દીધી.